જો તમે PayTM આઇપીઓની રાહ જોઇ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કારણ કે આગામી મહિને એટલે કે નવેમ્બરની આઠ તારીખના રોજ આઇપીઓ રોકાણ માટે ઓપન થઇ જશે. નોંધનીય છે કે આ ભારતના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. આ અગાઉ સરકારી કંપની કોલ ઇન્ડિયા 15 હજાર કરોડનો આઇપીઓ લઇને આવી હતી. વિજય શેખર શર્માએ વર્ષ 2000માં પેટીએમની સ્થાપના કરી હતી. 2010માં કંપનીએ મોબાઇલ રિચાર્જિંગ સર્વિસની શરૂઆત કરી હતી. ત્યારબાદથી કંપની સતત પોતાની સર્વિસ વિસ્તારતી રહી છે અને વર્તમાનમાં પેટીએમ એપની મદદથી હોટલ બુકિંગ, ટ્રેન-પ્લેનની ટિકિટ સહિત તમામ કામ કરી શકાય છે.


ટીએમનો 18,300 કરોડ રૂપિયાનો આ આઇપીઓ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. અત્યાર સુધી આ રેકોર્ડ કોલ ઇન્ડિયાના નામે હતો જેણે 2010માં 15 હજાર કરોડ રૂપિયાના આઇપીઓ સાથે માર્કેટમાં આવી હતી.


મીડિયા રિપોર્ટ અનુસાર પેટીએમની પેરન્ટ કંપની One97 Communications Ltd નો આઇપીઓ આઠ નવેમ્બરના રોજ ખુલશે. 10 નવેમ્બરના રોજ તેની અંતિમ તારીખ હશે. શેર બજારમાં તેની લિસ્ટિંગ 18 નવેમ્બરના રોજ હોઇ શકે છે.


આ કંપની પર દુનિયાના દિગ્ગજ રોકાણકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચાઇનીઝ બિલિયોનેર જેક માની કંપની એન્ટ ફાઇનાન્શિયલે તેમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. તે સિવાય અલીબાબા સિંગાપોર, એલિવેશન કેપિટલના ત્રણ ફંડ, સોફ્ટ બેન્ક વિઝન ફંડ અને બીએચ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. અનલિસ્ટેડ માર્કેટમાં પેટીએમ હાલમાં 3300-3400 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.


જો પેટીએમ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લેશે તો દેશનો સૌથી સફળ આઇપીઓ માનવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય શેરબજારના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી મોટો આઇપીઓ કોલ ઇન્ડિયાનો રહ્યો છે જેણે 2010માં 15,475 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.