Paint Price Hiked: મોંઘવારીના મારથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે. હવે ઘરને રંગરોગાન કરાવવું પણ મોંઘું થઈ રહ્યું છે. પેંટ્સ બનાવતી કંપનીઓએ ભાવ વધારવાનો ફેંસલો કર્યો છે. એશિયન પેંટ્સ અને બર્જર પેંટ્સે ભાવ વધારાનું મન બનાવી લીધું છે. 12 નવેમ્બરથી પેંટ્સના ભાવમાં 10 ટકા સુધી વધારો થવા જઈ રહ્યો છે.
મોંઘા ક્રૂડ ઓઈલથી વધ્યો ખર્ચ
છેલ્લા એક વર્ષમાં પેંટ્સ કંપનીઓના ખર્ચમાં જોરદાર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાની સાથે અન્ય કાચા માલની કિંમત વધતા ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે. એશિયન પેંટ્સના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત સિંગલે ચાલુ મહિનાની શરૂઆતમાં બીજા ત્રિમાસિકના પરિણામોનો રિપોર્ટ જાહેર કરતી વખતે રોકાણકારોને સંબોધતા જણાવ્યું હતું કે, કાચા માલની કિંમતમાં મોટા વધારાના કારણે માર્જિન પર અસર પડી છે.
સૌથી મોટો ભાવ વધારો
પેંટ્સ કંપનીઓ દ્વારા વધારવામાં આવનારી કિંમત અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હોવાનું માનવામાં આવે છે. અન્ય પેંટ્સ કંપનીઓ પણ ટૂંક સમયમાં ભાવ વધારાનો ફેંસલો લઈ શકે છે. એશિયન પેંટ્સે અનામેલ્સના ભાવમાં 7 થી 17 ટકા સુધીનો વધારો કર્યો છે. એશિયન પેંટ્સ દિવાળી બાદ ભાવ વધારો કરી રહી છે. 2008 બાદ એક સાથે આટલો મોટો ભાવ વધારો થઈ રહ્યો છે.