Axis Bank Offer: સંકટના આ સમયમાં એક્સિસ બેન્કે પેટીએમ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. એક્સિસ બેન્કના MD અને CEO અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે જો ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મંજૂરી મળે તો તે Paytm Payments Bank સાથે કામ કરવા તૈયાર છે. અગાઉ HDFC બેન્કના પરાગ રાવે પણ Paytm Payments Bank સાથે વાતચીતની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે બેન્કો પેટીએમના મુદ્દા પર નજર રાખી રહી છે. આ મામલામાં થઈ રહેલા વિકાસ પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. આ પહેલા સોમવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્રીય બેન્ક તેના નિર્ણયની સમીક્ષા કરશે નહીં.


આરબીઆઈ મુજબ કામ કરવા તૈયાર


અમિતાભ ચૌધરીએ સોમવારે કહ્યું કે તેઓ Paytm Payments Bank સાથે કામ કરવા તૈયાર છે. જો કે, આ નિયમનકારી મંજૂરી પર આધાર રાખે છે. જો અમને RBI તરફથી મંજૂરી મળે છે તો અમે ચોક્કસપણે Paytm Payments Bank સાથે કામ કરવા માંગીએ છીએ. પ્રાઈવેટ સેક્ટર બેન્કના સીઈઓ ચૌધરીએ જણાવ્યું હતું કે Paytm Payments Bank આ સેક્ટરની મહત્વની કંપની છે. હુરુન અને એક્સિસ બેન્ક દ્વારા બનાવવામાં આવેલ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટને લોન્ચ કરતી વખતે તેમણે આ સંદર્ભમાં વાત કરી હતી. હુરુન ઈન્ડિયા અને એક્સિસ બેન્કે દેશની પ્રભાવશાળી કંપનીઓને આ યાદીમાં સામેલ કરી છે.


Paytm Payments Bank સાથે વાતચીત ચાલી રહી છે


આ અવસર પર એક્સિસ બેન્કના ગ્રુપ એક્ઝિક્યુટિવ અર્જુન ચૌધરીએ કહ્યું કે Paytm Payments Bank સાથે વાતચીત ચાલી રહી છે. જોકે, આ ચર્ચા સામાન્ય કામકાજને લઈને થઈ રહી હતી. પરંતુ, 31 જાન્યુઆરી પછી સંજોગો બદલાયા છે. આ પછી વાતોનો સૂર બદલાઈ ગયો છે. આરબીઆઈએ 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર કોઈપણ પ્રકારની થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આના કારણે કંપનીનો કારોબાર ખત્મ થવાની સંભાવના છે.


HDFC બેન્કે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે


તાજેતરમાં એચડીએફસી બેન્કના પરાગ રાવે પેટીએમ પેમેન્ટ બેન્ક સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે HDFC બેન્ક તમામ ફેરફારો પર નજર રાખી રહી છે. આ અંગે Paytm Payments Bank સાથે પણ વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે RBIના નિર્ણય બાદ HDFC બેન્કની એપ પર ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.