ભારતીય ફિનટેક કંપની Paytm તેના 6,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, કંપની ખર્ચમાં કાપને કારણે આ નિર્ણય લેશે. આનાથી પેટીએમ 500 કરોડથી વધુની બચત કરી શકે છે. હકીકતમાં, 2024 ની શરૂઆતથી કંપનીની નાણાકીય સ્થિતિ સારી નથી. ખોટને કારણે કંપની ખર્ચમાં ઘટાડો કરીને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા એક મહિનામાં જ કંપનીના શેરના ભાવમાં 8.07 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં દરેક શેરની કિંમત 347.25 રૂપિયા છે.






ફેબ્રુઆરી 2024માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ પેટીએમ પેમેન્ટ બેન્ક વિરુદ્ધ માપદંડોનું ઉલ્લંઘન કરવા અને નિયમનકારી નીતિઓનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરી હતી. કંપનીએ તાજેતરમાં તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ દર્શાવે છે કે ક્વાર્ટરના અંતે કંપનીને 549.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


કંપનીએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા નિવેદનમાં કહ્યું કે અમે કાર્યક્ષમતા વધારવા માટે AI-સંચાલિત ઓટોમેશન સાથે અમારી કામગીરીને બદલી રહ્યા છીએ. વિકાસ અને ખર્ચમાં કાર્યક્ષમતા વધારવા માટે ડુપ્લિકેટિવ કાર્યો અને ભૂમિકાઓને ખત્મ કરી રહ્યા છીએ. તેના પરિણામસ્વરૂપ ઓપરેશન્સ અને માર્કેટિંગમાં અમારા હેડકાઉન્ટમાં થોડો ઘટાડો થયો છે. અમે કર્મચારીઓના ખર્ચમાં 10-15 ટકા બચત કરી શકીશું કારણ કે AIએ અમારી અપેક્ષા કરતાં વધુ ડિલિવરી કરી છે. વધુમાં અમે સમગ્ર વર્ષ દરમિયાન પ્રદર્શન ના કરતા મામલાઓનું સતત મૂલ્યાંકન કરીએ છીએ. 


કંપની પાસે તેના પગારપત્રક પર સરેરાશ 32,798 કર્મચારીઓ


નાણાકીય વર્ષ 2023 માં, કંપની પાસે તેના પગારપત્રક પર સરેરાશ 32,798 કર્મચારીઓ હતા, જેમાંથી 29,503 એક્ટિવ રીતે કામ કરી રહ્યા હતા, અને કર્મચારી દીઠ સરેરાશ ખર્ચ રૂ. 7.87 લાખ હતો. FY24 માટે, કુલ કર્મચારી ખર્ચ વાર્ષિક ધોરણે 34 ટકા વધીને રૂ. 3,124 કરોડ થયો, જે કર્મચારી દીઠ સરેરાશ ખર્ચ રૂ. 10.6 લાખ થયો.


અહેવાલો મુજબ કોસ્ટ કટિંગની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે, ડિસેમ્બરમાં કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચમાં ઘટાડો કરવા માટે 1,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. FY24 માટે કર્મચારીઓની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.