Petrol Rate Increased: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની શ્રીલંકા સ્થિત પેટાકંપનીએ શ્રીલંકાના રૂપિયાના ભારે અવમૂલ્યનને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો છે. વધેલી કિંમતો શુક્રવારથી લાગુ થઈ ગઈ છે એટલે કે આજથી શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કંપનીએ ઈંધણ ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો
લંકા ઈન્ડિયન ઓઈલ કંપની (LIOC)એ જણાવ્યું કે ડીઝલની છૂટક કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર છે. આનાથી લોકોના ખિસ્સા પર ઘણો બોજ પડશે, પરંતુ શ્રીલંકાના નાગરિકો લાંબા સમયથી આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
શ્રીલંકામાં ગેસ અને તેલના ભાવમાં વધારો થવાનું આ જ કારણ છે
LIOCના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ જણાવ્યું હતું કે સાત દિવસમાં અમેરિકી ડોલર સામે શ્રીલંકાના રૂપિયામાં રૂ. 57નો ઘટાડો થયો છે. તેની સીધી અસર તેલ અને ગેસોલિન ઉત્પાદનોના ભાવ પર પડે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે, જેના કારણે તેલ અને ગેસની કિંમતો પણ વધી રહી છે.
સબસિડી ન મળવી એ પણ ભાવ વધવાનું કારણ છે
LIOC ને શ્રીલંકા સરકાર તરફથી કોઈ સબસિડી મળતી નથી. મનોજ ગુપ્તાએ કહ્યું કે ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો ઉંચી હોવાને કારણે અત્યારે અમને ઘણું નુકસાન થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. ભાવ વધવા છતાં ભારે નુકસાન સહન કરવું પડશે.