નવી દિલ્હી: અમેરિકાએ ઈરાન પર એર સ્ટ્રાઈક કરી હતી જેમા ઈરાનના જનરલ કસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ ઈરાને પણ બગદાદમાં અમેરિકાના દુતાવાસ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેને લઈને હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.


જોકે આ બધાંની વચ્ચે ભારતમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે, જો આ તંગદિલી વધશે તો ભારતને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

દિલ્હીમાં લિટર દીઠ પેટ્રોલમાં નવ અને ડીઝલમાં 11 પૈસાનો વધારો થયો હતો. જોકે આ પરિણામે હવે દિલ્હીવાસીઓને પેટ્રોલના 75.54 રૂપિયા અને ડીઝલના 68.51 રૂપિયા ચૂકવવા પડશે. અમેરિકાએ કાસીમ સુલેમાનનીને મોતને ઘાટ ઉતારતાં વૈશ્વિક કક્ષાએ પણ શેર બજારમાં શેરોના ભાવ ઘટ્યા હતા અને ઓઈલ પ્રાઈસમાં ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત નવી દિલ્હી સહિત અમદાવાદમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો વધારો થયો હતો. અમદાવાદમાં સાદા પેટ્રોલનો ભાવ 72.98 રૂપિયા થઈ ગયો છે જ્યારે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 75.80 રૂપિયા થયો છે.