નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લાં ઘણાં સમયથી વધારો થઈ રહ્યો નથી. તેની અસર ઓઈલ કંપનીઓની કમાણીમાં પડી રહી છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણી બાદ ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5-6 રૂપિયાનો વધારો કરી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન થવાને કારણે કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, સામાન્ય રીતે માર્જિન જાળવવા માટે તેમના માટે ભાવમાં પ્રતિ લિટર 5-6 રૂપિયાનો વધારો કરવો જરૂરી બની ગયો છે. જાણકારોના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઉંચી જ રહેશે તો પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ચોક્કસ વધશે.
જાણો કિંમતો પર કેવી અસર થાય છે
નિષ્ણાંતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટની અસર સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે. જો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ એક ડોલર પ્રતિ બેરલ મોંઘુ થાય છે તો સ્થાનિક બજારમાં તેની કિંમત 45-47 પૈસા પ્રતિ લિટર વધે છે. પરંતુ વિદેશી બજારોમાં ક્રૂડ ઓઈલમાં વધારો થવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવાળીથી સ્થિર છે. નવેમ્બરથી ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 25 ડોલર થઈ ગયું છે.
ક્રૂડ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલુ રહેતા મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત $94 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે ક્રૂડની કિંમત આ સ્તરે પહોંચી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ યથાવત રહેશે તો ક્રૂડ ઓઈલની કિંમત 125 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.