નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સામાન્ય તેજીની વચ્ચે આજે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં દેશમાં સતત 20માં દિવસે વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બન્નેની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. ભારતીય ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે જ્યારે ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું થયું છે અને બન્નેની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 17 પૈસાના વધારાની સાથે  કિંમત 80.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંતમાં પણ 21 પૈસાનો વધારો થયો છે. આ 20 દિવસમાં પેટ્રોલ 8.87 રૂપિયા અને ડીઝલ 10.79 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો આજે ગુજરાતના અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 77.62 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.52 રૂપિયા થઈ છે. આમ જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એકસમાન થઈ ગઈ છે. તમારા શહેરમાં કેટલી છે પેટ્રોલ અને ડીઝલની કિંમત
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 80.13 80.19
મુંબઈ 86.91 78.51
કોલકાતા 81.82 75.34
ચેન્નઈ 80.37 77.44
લખનઉ 80.75 72.18
બેંગલુરુ 82.74 76.25
પટના 83.08 77.14
અમદાવાદ 77.62 77.52
બે દિવસ પહેલા દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતાં વધી ગઈ હતી. 24 જૂનના રોજ પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને દિલ્હીમાં તેની કિંમત 79.76 રૂીપિયા થઈ હતી. જોકે ડીઝલની કિેંતમાં વધારો કર્યા બાદ આજે નવો ભાવ 79.88 રૂપિયા પ્રતિ લિટર થયો હતો. આ ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે પેટ્રોલની કિંમત ડીઝલની સામે ઓછી રહી છે. જોકે આ સ્થિતિ માત્ર દિલ્હીમાં છે. દેશના અન્ય ભાગમાં હજુ પણ પેટ્રોલની સામે ડીઝલની કિંમત સસ્તી છે. દિલ્હીમાં કિંમત વધારે હોવાનું એક કારણ વેટ પણ છે. દિલ્હીમાં સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર વેટમાં વધારો કર્યો હતો. જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો રહેવા છતાં સતત 19માં  દિવસે કિંમતમાં વધારો થતા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પીએમ મોદીને પત્ર લખીને તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં નિયંત્રણ લાવવાની અપીલ કરી હતી.