Ban On Diesel 4-Wheelers Likely: આગામી દિવસોમાં ડીઝલ સંચાલિત કાર SUV પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ તેના અંતિમ રિપોર્ટમાં કેન્દ્ર સરકારને 10 લાખ (1 મિલિયન)થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 2027 સુધીમાં ડીઝલથી ચાલતી કાર-SUV પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં 2024થી માત્ર ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી આગામી 10 વર્ષમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં 75 ટકા વાહનો ઇલેક્ટ્રિક હોય.


સમિતિએ 2035 સુધીમાં રાષ્ટ્રીય ઊર્જા બાસ્કેટમાં ગ્રીડ પાવરનો હિસ્સો બમણો કરીને 40 ટકા કરવાની ભલામણ પણ કરી છે. કમિટીએ પેટ્રોલિયમ, કોલસો, પાવર અને રિન્યુએબલ એનર્જી સંબંધિત મંત્રાલયો ધરાવતા મંત્રીઓના જૂથની રચના કરવાનું કહ્યું છે. આ સાથે સચિવોની એક સમિતિ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું, જેમાં ઊર્જા વપરાશ પર દેખરેખ રાખતા મંત્રાલયોના સભ્યોને પણ સામેલ કરવામાં આવે.


ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની અધ્યક્ષતામાં ઊર્જા સંક્રમણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં સરકારી તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે તરુણ કપૂર વડાપ્રધાનના સલાહકાર બન્યા ત્યારે ONGCના પૂર્વ અધ્યક્ષ સુભાષ કુમારને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને તેમની અધ્યક્ષતામાં સમિતિએ અહેવાલ તૈયાર કરીને પેટ્રોલિયમ મંત્રાલયને સુપરત કર્યો છે.


રિપોર્ટમાં રોડ ટ્રાન્સપોર્ટ માટે ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મુકવામાં આવ્યો છે, સાથે જ ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર જલદીથી પ્રતિબંધ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સમિતિએ 2027 સુધી એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અને ઉચ્ચ પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં આગામી પાંચ વર્ષ સુધી ડીઝલ સંચાલિત ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલથી ચાલતી બસોને શહેરી વિસ્તારોમાં બિલકુલ સામેલ ન કરવી જોઈએ.


હાલમાં, સરકારનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો અને બાયોફ્યુઅલથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા પર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે આ દિશામાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ ક્રમમાં, સમગ્ર દેશમાં BS6 ઇંધણનું વેચાણ ફરજિયાત બનાવવું, 1 એપ્રિલ, 2023ના રોજ ન્યૂ રિયલ ડ્રાઇવિંગ એમિશન (RDE) BS6 ફેઝ-2 નિયમોનો અમલ, ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમ વગેરે. જો કે, જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો Tata Safari, Harrier, Tata Altroz, Tata Nexon, Mahindra XUV300, Mahindra Bolero Neo, Mahindra Bolero જેવી ઘણી શ્રેષ્ઠ કારના ડીઝલ વેરિઅન્ટ બંધ થઈ જશે.