PIB Fact Check: હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતમાં દૂધમાં ભેળસેળને કારણે લોકોનું કેન્સરથી મોત થવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સરકાર તરફતી પીઆઈબીએ ખુલાસો કર્યો છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ-ચેકિંગ ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલી એક મહત્વપૂર્ણ સૂચનામાં જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારત સરકાર (GoI) ને દૂધમાં ભેળસેળ સંબંધિત કોઈ એડવાઇઝરી જારી કરી નથી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, દૂધમાં ભેળસેળને કારણે ભારતીયોને કેન્સર તરફ દોરી જશે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી રહેલી નકલી નોટિસ જણાવે છે કે WHOએ એક એડવાઈઝરી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 87 ટકા ભારતીયો કેન્સરનો શિકાર બની શકે છે. એડવાઈઝરીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતીય બજારોમાં જે દૂધ વેચાઈ રહ્યું છે તે ભેળસેળયુક્ત છે અને જો તે તેનું સેવન કરવામાં આવે તો કેન્સરનું જોખમ વધારે છે. જો આ ભેળસેળને અંકુશમાં લેવામાં નહીં આવે તો ભારતની મોટી વસ્તી કેન્સરનો ભોગ બની જશે. ભારતમાં વેચાતા લગભગ 68.7% દૂધ ભેળસેળયુક્ત છે.






પીઆઈબી ફેક્ટ ચેકે આ મામલે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. ટ્વીટમાં કહ્યું છે કે, "શું વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવી એડવાઈઝરી જારી કરી છે કે ભારતમાં ઉપલબ્ધ દૂધમાં ભેળસેળને કારણે 87% ભારતીયોને 8 વર્ષમાં કેન્સર થશે? નથી. આ દાવો ખોટો છે. WHO એ આવી કોઈ એડવાઈઝરી જારી કરી નથી.”


PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.