pm surya ghar new solar rules 2026: જો તમે કાળઝાળ ગરમી અને વધતા વીજળી બિલથી બચવા માટે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, અથવા તો પ્રોસેસ ચાલુ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. 1 જૂન, 2026 થી સરકાર સોલાર ઉદ્યોગ માટે એક નવો અને કડક નિયમ (ALMM List-II) લાગુ કરવા જઈ રહી છે. આ નવા નિયમને કારણે આગામી દિવસોમાં સોલાર પેનલની કિંમતોમાં થોડો વધારો થઈ શકે છે અને સબસિડી લેવા માટે કાગળિયાં (ડોક્યુમેન્ટેશન) ની પ્રક્રિયા વધુ કડક બનશે. જોકે, રાહતની વાત એ છે કે PM સૂર્ય ઘર યોજના હેઠળ મળતી સબસિડી બિલકુલ બંધ નથી થવાની. ચાલો સાવ સીધી અને બોલચાલની ભાષામાં સમજીએ કે આ નવો નિયમ શું છે અને સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર તેની કેટલી અસર પડશે.
1 જૂનનો આ નવો નિયમ આખરે છે શું?
અત્યાર સુધી એવો નિયમ હતો કે તમે જે સોલાર પેનલ (મોડ્યુલ) લગાવો છો, તે સરકાર દ્વારા માન્ય લિસ્ટ (ALMM List-I) માંથી જ હોવી જોઈએ. પણ 1 જૂન, 2026 થી નિયમો વધુ ટાઈટ બની રહ્યા છે. હવેથી પેનલની અંદર વપરાતા 'સોલાર સેલ' પણ સરકાર દ્વારા માન્ય લિસ્ટ (List-II) માંથી જ હોવા ફરજિયાત છે.
સરકારનો આની પાછળનો મુખ્ય હેતુ વિદેશથી (ખાસ કરીને ચીનથી) આવતા હલકી ગુણવત્તાવાળા અને અનવેરિફાઇડ માલ પર સંપૂર્ણ રોક લગાવવાનો અને ભારતમાં જ બનતા સોલાર ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે.
તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?
નિષ્ણાતોનું માનીએ તો, દેશમાં બનતા સોલાર સેલના ઉપયોગ અને કડક નિયમોને કારણે પેનલના ભાવ થોડા વધી શકે છે. એક અંદાજ મુજબ:
1 kW ની સોલાર સિસ્ટમ પર આશરે ₹3,000 નો વધારાનો ખર્ચ થઈ શકે છે.
2 kW ની સિસ્ટમ લગાવવા પર ₹6,000 નો ખર્ચ વધી શકે છે.
3 kW ની સિસ્ટમ પર લગભગ ₹9,000 નો બોજો વધી શકે છે.
જો બજારમાં માન્યતા પ્રાપ્ત સોલાર સેલની અછત સર્જાશે, તો ભાવ હજુ પણ ઉપર જઈ શકે છે.
આ પણ વાંચોઃ ફ્લેટમાં પણ લગાવી શકાય છે સોલર પેનલ? સૂર્ય ઘર યોજના માટે અરજી કરવાની નવી પદ્ધતિ અને સબસિડી વિશે જાણો વિગતો
શું સરકારી સબસિડી બંધ થઈ જશે?
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ખૂબ ઉડી રહી છે કે 1 જૂનથી સબસિડી બંધ થઈ જશે, પણ આ વાત તદ્દન ખોટી છે! 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' હેઠળ મળતી સરકારી સબસિડી પહેલાની જેમ જ ચાલુ રહેશે.
1 kW માટે: ₹30,000
2 kW માટે: ₹60,000
3 kW કે તેથી વધુ માટે મહત્તમ: ₹78,000
આ ઉપરાંત ઘણી રાજ્ય સરકારો પોતાની તરફથી વધારાની (ટોપ-અપ) સબસિડી પણ આપી રહી છે. ફેર માત્ર એટલો પડશે કે 1 જૂન પછી સબસિડી અને નેટ-મીટરિંગનો લાભ લેવા માટે વિક્રેતાઓ અને ગ્રાહકોએ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે, કડક ચેકિંગમાંથી પસાર થવું પડશે અને બધા જ ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ રાખવા પડશે.
ગ્રાહકો પાસે હવે કયા 2 વિકલ્પો છે?
સોલાર પેનલ લગાવવા માટે બજારમાં હવે તમારી પાસે મુખ્યત્વે બે રસ્તા છે, જેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ પસંદગી કરી શકો છો:
1. સબસિડી વાળો રસ્તો (ઓન-ગ્રીડ / હાઇબ્રિડ):
જો તમારો હેતુ વીજળી બિલ ઝીરો (0) કરવાનો છે અને તમે સબસિડી માટે કાગળિયાંની પ્રોસેસ કરવા તૈયાર છો, તો આ રસ્તો બેસ્ટ છે. જોકે, આમાં સરકારના નિયમો મુજબ ચાલવું પડતું હોવાથી તમે લેટેસ્ટ ગ્લોબલ ટેકનોલોજીની પસંદગીમાં થોડા બંધાઈ જશો.
2. ફ્રીડમ રૂટ (કોઈ સબસિડી નહીં):
જો તમને સરકારી સબસિડી નથી જોઈતી તો તમે આ રસ્તો અપનાવી શકો છો. આમાં તમને HJT, HDT કે લિથિયમ બેટરી જેવી લેટેસ્ટ ગ્લોબલ ટેકનોલોજી વાપરવાની પૂરી આઝાદી મળે છે. જે વિસ્તારોમાં વારંવાર પાવર કટ થાય છે ત્યાં મોટી બેકઅપ સિસ્ટમ કે ઓફ-ગ્રીડ સિસ્ટમ લગાવવા માટે આ રસ્તો સારો છે. આમાં શરૂઆતનો ખર્ચ ચોક્કસ વધારે આવશે, પણ લાંબા ગાળે તેનું રિઝલ્ટ વધારે સારું મળશે.
(નોંધ: મિડલ ઈસ્ટના તણાવ અને સપ્લાય ચેનની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, સરકારે એવા મોટા કોમર્શિયલ પ્રોજેક્ટ્સને કેસ મુજબ થોડી રાહત આપી છે, જેમણે 1 જૂન પહેલા જમીન કે ફાઇનાન્સ સંબંધિત કામ પૂરું કરી લીધું હોય.)
આ પણ વાંચોઃ સોલર શક્તિમાં ગુજરાત અવ્વલ: ૩ લાખથી વધુ પરિવારોને મળ્યા ₹૨૩૬૨ કરોડ, બિલ થશે ઝીરો!
