નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે પંજાબ અને મહારાષ્ટ્ર કોર્પોરેટિવ બેન્ક લિમિટેડના ગ્રાહકો માટે રૂપિયા ઉપાડવાની લિમિટને 25000થી વધારીને 40 હજાર કરી દીધી છે. નોંધનીય છે કે આરબીઆઇએ આ અગાઉ બેન્કના ગ્રાહકોને પોતાના ખાતામાં કુલ જમા રકમમાંથી 25 હજાર ઉપાડવાની મંજૂરી આપી હતી. આ પગલાનો ગ્રાહકોએ વિરોધ કર્યો હતો. સૌ પ્રથમ રૂપિયા ઉપાડવાની રકમ 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમાં વધારો કરી 10 હજાર કરાયા હતા.


નોંધનીય છે કે પીએમસી બેન્કમાં આર્થિક ગરબડના કારણે આરબીઆઇએ આ બેન્કના ગ્રાહકો માટે રોકડ ઉપાડવાની લિમિટ નક્કી કરી હતી અને સાથે બેન્ક પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા.

આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે મીડિયા સંબોધિત કરતા કહ્યું કે, આરબીઆઇ ગવર્નરે મને આશ્વાસન આપ્યું છે કે તે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખશે અને તેમની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. નાણામંત્રીએ કહ્યું કે, સરકાર જમા પર ગેરંન્ટીની સીમાને એક લાખ રૂપિયાથી વધારવાનો વિચાર કરી શકે છે. જો એવું થશે તો તે સંસદના માધ્યમથી કરવામાં આવશે.