PNB Home Loan: તહેવારોની સિઝનમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાએ નવી ઓફરો જાહેર કર્યાના એક દિવસ પછી પંજાબ નેશનલ બેન્ક (PNB) એ શુક્રવારે 50 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર વ્યાજ દર 0.50 ટકા ઘટાડીને 6.60 ટકા કર્યો છે.


હોમ લોન પર 0.50 ટકાનો ઘટાડો


તહેવારોની સીઝનમાં પંજાબ નેશનલ બેન્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલી અનેક ઓફરોના ભાગરૂપે PNB એ 50 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર વ્યાજ દર 0.50 ટકા ઘટાડ્યો છે. PNB એ જાહેરાત કરી છે કે હવે કોઈપણ રકમની હોમ લોન 6.60 ટકાના દરે ઉપલબ્ધ થશે.


જાહેર ક્ષેત્રની બેંકે કહ્યું કે વ્યાજ દર અરજદારના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલ હશે. નિવેદન અનુસાર, "ઉપરોક્ત દર બાકી લોનના ટ્રાન્સફર માટે પણ લાગુ પડે છે અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં સૌથી નીચો છે." અગાઉના દિવસે બેન્કે રેપો આધારિત લોન દરમાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 6.55 ટકા પર લાવવાની જાહેરાત પણ કરી હતી.


PNB એ શેરબજારમાં માહિતી આપી


બેંકે કહ્યું છે કે તેણે સર્વિસ ચાર્જ, હાઉસિંગ, વાહન, વ્યક્તિગત, પેન્શન અને માયપ્રોપર્ટી લોન પર પ્રોસેસિંગ ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી દીધી છે. પીએનબીએ સ્ટોક એક્સચેન્જોને મોકલેલા મેસેજમાં જણાવ્યું હતું કે, રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (આરએલએલઆર) 17 સપ્ટેમ્બર, 2021 (શુક્રવાર) થી 6.80 ટકાથી ઘટાડીને 6.55 ટકા કરવામાં આવ્યો છે.


RLLR ઓક્ટોબર 2019 માં રજૂ કરવામાં આવ્યું હતું. તે ફ્લોટિંગ રેટ આધારિત પર્સનલ અથવા રિટેલ લોન છે, જે બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. જેમ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) રેપો રેટ. રેપો એ દર છે કે જેના પર આરબીઆઈ કોમર્શિયલ બેંકોને તેમની ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે ધિરાણ આપે છે. તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે ઘણી બેંકો હાઉસિંગ અને રિટેલ લોન પર વ્યાજદરમાં ઘટાડો કરી રહી છે.