નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના ફરાર આરોપી નીરવ મોદીને મોટા ઝટકો લાગ્યો છે. નીરવ મોદીને મુંબઈની PMLA કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક અરજી પર સુનવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નીરવ મોદી હાલ બ્રિટનની જેલમાં બંધ છે અને તેની કસ્ટડી બે જાન્યુઆરી સુધી વધારવામાં આવી છે.

નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના આશરે 13 હજાર કરોડના કૌભાંડમાં ફરાર છે. આ સાથે અદાલત દ્વારા આર્થિક અપરાધી જાહેર થતા હવે તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની 19મી માર્ચના રોજ હોલબોર્નથી ધરપકડ કરવામાં આવી હતી.

નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી સામે રૂપિયા 13 હજાર કરોડની છેતરપિંડી આચરવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને CBI આ કેસની તપાસ કરી રહ્યા છે. નીરવ મોદી પર ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ અંતર્ગત પણ આરોપ લાગ્યા છે.