ભારતીય પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે ઘણી પ્રકારની બચત યોજનાઓ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે પોસ્ટ ઓફિસમાં રોકાણ પર સારું વળતર મળે છે. આ સાથે તમારા રોકાણની રકમ પણ સુરક્ષિત છે. આ કારણે લાખો લોકો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પોસ્ટ ઓફિસની ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શોરન્સ હેઠળ ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમાંની એક ગ્રામ સુરક્ષા યોજના (Gram Suraksha Yojana) છે. આ સ્કીમ માટે તમે દરરોજ 50 રૂપિયાની બચત કરીને 35 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો.
કોણ રોકાણ કરી શકે છે
19 વર્ષથી 55 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. આ પોસ્ટ ઓફિસ યોજનામાં લઘુત્તમ વીમાની રકમ 10,000 રૂપિયા છે અને મહત્તમ 10 લાખ રૂપિયા છે. આ યોજના હેઠળ પ્રીમિયમ ચુકવણી કરવા માટે વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે. રોકાણકારો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકે છે.
બોનસ મેળવો
આ સ્કીમમાં રોકાણ કરનારાઓને ચાર વર્ષ પછી લોનની સુવિધા મળે છે. જો કોઈ પોલિસીધારકે તેને સરેન્ડર કરવાની હોય તો તે પોલિસી શરૂ થયાની તારીખથી ત્રણ વર્ષ પછી તેને સરેન્ડર કરી શકે છે. પાંચ વર્ષ પછી આ સ્કીમમાં રોકાણ પર બોનસ પણ મળે છે.
કેટલી રકમ મળે છે?
ગ્રામ સુરક્ષા યોજના વિશે આપવામાં આવેલી માહિતી અનુસાર, જો કોઈ પાત્ર વ્યક્તિ આ યોજનામાં દર મહિને 1,500 રૂપિયા એટલે કે માત્ર 50 રૂપિયા પ્રતિ દિવસનું રોકાણ કરે છે, તો તેને સ્કીમની પાકતી મુદત પર 35 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.
યોજના હેઠળ જો તમે 19 વર્ષની ઉંમરે 10 લાખ રૂપિયાની ગ્રામ સુરક્ષા યોજના ખરીદો છો તો 55 વર્ષ સુધી તમારે દર મહિને 1,515 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે.
ક્યાં સુધી મળશે પુરી રકમ?
રોકાણકારને 55 વર્ષની મેચ્યોરિટી પર રૂ. 31,60,000, 58 વર્ષની મેચ્યોરિટી પર રૂ. 33,40,000 અને 60 વર્ષની મેચ્યોરિટી પર રૂ. 34.60 લાખ મળશે. ગ્રામ સુરક્ષા યોજના હેઠળ જ્યારે વ્યક્તિ 80 વર્ષનો થાય ત્યારે આ રકમ તેને સોંપવામાં આવે છે. જો વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો આ રકમ વ્યક્તિના કાનૂની વારસદારને મળે છે.