• રેલવે મંત્રાલયે ટ્રેનમાં ₹80 અને સ્ટેશન પર ₹70માં સ્ટાન્ડર્ડ વેજ મીલનો દર જાહેર કર્યો.
  • શાક, દાળ/સંભાર, ભાત, દહીં, રોટલી/પરાઠા અને અથાણું મળશે.
  • મંત્રાલયે ભોજનના નક્કી દર અને મેનૂ જાહેર કરીને વધુ ભાવ વસૂલી પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો.
  • ‘X’ પર, રેલવે હેલ્પલાઇન 139, અથવા ‘રેલ મદદ’ એપથી મુસાફરો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે.

IRCTC food menu: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો યાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન ખોરાકની જરૂરિયાત અને તેની કિંમત અંગેની ફરિયાદોમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને, રેલવે મંત્રાલયે શાકાહારી ભોજન (સ્ટાન્ડર્ડ કેસરોલ) ની કિંમત અને તેના સંપૂર્ણ મેનૂની વિગતો જાહેર કરી છે. રેલવે મંત્રાલયે પોતાના સત્તાવાર 'X' (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે, જેથી મુસાફરોને યોગ્ય ભાવે ભોજન મળી રહે.

વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ) ની કિંમત અને મેનૂ

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ) ની કિંમત ₹70 રહેશે, જ્યારે ટ્રેનોમાં આ જ ભોજનની કિંમત ₹80 નિર્ધારિત કરવામાં આવી છે. આ વેજ મીલના મેનૂમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે:

  • સાદા ભાત (150 ગ્રામ)
  • જાડી દાળ અથવા સંભાર (150 ગ્રામ)
  • દહીં (80 ગ્રામ)
  • 2 પરાઠા અથવા 4 રોટલી (100 ગ્રામ)
  • શાક (100 ગ્રામ)
  • અથાણાનું પેકેટ (12 ગ્રામ)

વધુ ભાવ લેવાય તો ક્યાં ફરિયાદ કરવી?

મોટાભાગના મુસાફરોને રેલવે દ્વારા નક્કી કરાયેલા ભાવની જાણકારી ન હોવાથી, ઘણા કર્મચારીઓ નિર્ધારિત કિંમત કરતાં વધુ ભાવે ખોરાક વેચતા હોવાની ફરિયાદો મળતી હતી. જો મુસાફરી દરમિયાન તમને રેલવે સ્ટેશન પર અથવા ટ્રેનમાં વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ) માટે વધુ કિંમત માંગવામાં આવે, અથવા તેના મેનૂમાં સમાવિષ્ટ ખાદ્ય પદાર્થોની સંખ્યા ઓછી હોય, તો તમે રેલવે મંત્રાલયની આ ટ્વીટ રેસ્ટોરન્ટ અથવા પેન્ટ્રી કર્મચારીને બતાવી શકો છો. જો આ પછી પણ કર્મચારીઓ યોગ્ય વર્તન ન કરે, તો તમે તેમની વિરુદ્ધ રેલવેને ફરિયાદ કરી શકો છો. આવા કિસ્સાઓમાં, તમે 'X' (અગાઉ ટ્વિટર) પર, રેલવે હેલ્પલાઇન નંબર 139 પર, અથવા 'રેલ મદદ' એપ દ્વારા પણ ફરિયાદ દાખલ કરી શકો છો. આ પગલું મુસાફરોને યોગ્ય સેવા અને નિર્ધારિત ભાવે ભોજન મળે તેની ખાતરી કરવામાં મદદરૂપ થશે.