ભારતીય રિઝર્વ બેન્ક ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે વિવિધ બેન્કોની કામગીરી પર નજર રાખે છે અને જો કોઈ ક્ષતિ જણાય તો કાર્યવાહી કરે છે. ઘણીવાર ઘણી બેન્કો વિરુદ્ધ વિવિધ નિયમોના ભંગ બદલ રિઝર્વ બેન્ક કાર્યવાહી કરે છે. તાજેતરમાં જ બે સહકારી બેન્કોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.


આ બે બેન્કો પર કાર્યવાહી


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે બે અલગ-અલગ નિવેદનોમાં જણાવ્યું હતું કે બે સહકારી બેન્કોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તેમાં કર્ણાટકમાં તુમકુર ખાતેની શ્રી શારદા મહિલા સહકારી બેન્ક અને મહારાષ્ટ્રમાં સતારા ખાતેની હરિહરેશ્વર બેન્કનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્કનું કહેવું છે કે બંન્ને બેન્કો પાસે કામગીરી ચાલુ રાખવા માટે પૂરતી મૂડી નથી. આ સિવાય બંન્ને બેન્કો માટે કમાણી કરવાની કોઈ સંભાવના બચી ન હતી. આવી સ્થિતિમાં તેમનું લાયસન્સ રદ કરવું જરૂરી હતું.


આ રકમ રહેશે સુરક્ષિત


આરબીઆઈએ કહ્યું કે હરિહરેશ્વર કોઓપરેટિવ બેન્કનો બિઝનેસ બંધ કરવાનો આદેશ 11 જૂલાઈ, 2023થી લાગુ થઈ ગયો છે. બેન્કોમાં ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સુરક્ષિત છે, કારણ કે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન પાસે આ રકમનો વીમો છે. જેમની થાપણો  5 લાખ રૂપિયાથી વધુ છે, તેમના આ મર્યાદાથી ઉપરના રૂપિયા ગુમાવવા પડશે


માત્ર આટલા લોકોને મળશે પૈસા


રિઝર્વ બેન્ક અનુસાર, હરિહરેશ્વર સહકારી બેન્કના 99.96 ટકા થાપણદારોને તેમના કુલ નાણાં DICGC પાસેથી મળશે. આ બેન્કના ગ્રાહકોને DICGC પાસેથી 8 માર્ચ, 2023 સુધી 57.24 કરોડ રૂપિયા મળ્યા છે. બીજી તરફ, શ્રી શારદા મહિલા સહકારી બેન્કના કિસ્સામાં લગભગ 97.82 ટકા થાપણદારોને DICGC તરફથી સંપૂર્ણ રિફંડ મળશે. DICGCએ આ બેન્કના ગ્રાહકોને 12 જૂન, 2023 સુધી 15.06 કરોડ રૂપિયા પરત કર્યા છે.


આ કામો પર પ્રતિબંધ


રિઝર્વ બેન્કે કહ્યું હતું કે લાયસન્સ રદ્દ થયા બાદ બંન્ને બેન્કો પર બેન્કિંગ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બેન્કો હવે ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારની થાપણો લઈ શકશે નહીં. રિઝર્વ બેંકે સહકારી કમિશ્નર અને સહકારી મંડળીના રજીસ્ટ્રારને પણ સંબંધિત બેન્કોના કામકાજને રોકવા માટે આદેશ જાહેર કરવા જણાવ્યું છે. આ સાથે કમિશનરને બેન્કો માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.