નવી દિલ્હી: હવે ક્રેડિટ કાર્ડ યુઝર્સ પણ ડેબિટ કાર્ડની જેમ UPIથી પેમેન્ટ કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી. RBI UPIની કામ કરવાની રીતમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.




આ સુવિધા હેઠળ પ્રથમ સ્વદેશી RuPay ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકાશે. આ પછી વિઝા અને માસ્ટરકાર્ડ જેવા અન્ય કાર્ડ ધારકો આનો લાભ લઈ શકશે. અત્યાર સુધી ગ્રાહકો ફક્ત તેમના ડેબિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકતા હતા.


ઓનલાઈન પેમેન્ટનો નવો મોડ ઉપલબ્ધ થશે


આ અંગેની જાહેરાત કરતાં RBI ગવર્નરે જણાવ્યું હતું કે, “અત્યાર સુધી ડેબિટ કાર્ડ દ્વારા UPI વ્યવહારો માટે માત્ર બચત/ચાલુ ખાતાને જ લિંક કરી શકાતા હતા. હવે UPI પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડને લિંક કરવાનો પ્રસ્તાવ છે. શરૂઆતમાં, RuPay ક્રેડિટ કાર્ડ UPI સાથે લિંક કરવામાં આવશે.” તેમણે કહ્યું કે આ સુવિધા સાથે UPI પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટના સંદર્ભમાં ગ્રાહકોને અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. ગ્રાહકો ટૂંક સમયમાં જ આ સુવિધાનો લાભ લઈ શકશે.


ઘણા ગ્રાહકોને ફાયદો થશે


યુપીઆઈ દેશમાં સૌથી લોકપ્રિય પેમેન્ટ મોડ બની ગયું છે. આજે દેશમાં લગભગ 26 કરોડ લોકો UPIનો ઉપયોગ કરે છે. જ્યારે  5 કરોડથી વધુ વેપારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાથી ગ્રાહકને પેમેન્ટનો નવો વિકલ્પ મળશે. દેશમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. યુપીઆઈનો ઉપયોગ હવે દેશમાં ઘણી નાની-મોટી દુકાનોમાં થઈ રહ્યો છે.


RBI એ રેપો રેટ વધાર્યો


RBI ગવર્નરે આજે રેપો રેટ વધારીને 4.90 ટકા કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2023માં છૂટક ફુગાવો 7.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતા UPI વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કેવી રીતે લાગુ થશે, કારણ કે દરેક વ્યવહાર માટે વેપારી ટ્રાન્ઝેક્શનની નિશ્ચિત રકમ ચૂકવે છે, જે પાછળથી બેંકો અને પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે વહેંચવામાં આવે છે. .