જો તમે તમારી વર્તમાન બેંકની સર્વિસથી નાખુશ છો અને બેંક બદલવા માંગો છો, પરંતુ બધી જ જગ્યાએ એકાઉન્ટ નંબર બદલવાની લાંબી કાગળની ઝંઝટથી ડરો છો? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર લાવી રહી છે. મોબાઈલ નંબર પોર્ટ કરવાની જેમ જ, હવે બેંક બદલવાનું પણ સાવ સરળ બની જશે. RBI એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો બેંક બદલશે તો પણ તેમનો બેંક એકાઉન્ટ નંબર તો એનો એ જ રહેશે. આ પગલાથી બેંકિંગ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે.

RBI નું 'પેમેન્ટ્સ વિઝન 2028'

RBI હાલમાં તેના 'પેમેન્ટ્સ વિઝન 2028' અંતર્ગત એક આધુનિક સિસ્ટમ ડેવલપ કરી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમની પસંદગીની બેંકિંગ સેવાઓ મેળવવાની પૂરી આઝાદી આપવાનો છે. ગ્રાહકોને રોકવા માટે બેંકોએ ફરજિયાતપણે પોતાની સર્વિસ સુધારવી પડશે, જેનાથી બેંકો વચ્ચે હરીફાઈ વધશે અને સરવાળે ફાયદો ગ્રાહકોને જ થશે.

અત્યારે ગ્રાહકોને શું મુશ્કેલી પડે છે?

અત્યારની સ્થિતિ મુજબ, જો કોઈ ગ્રાહક પોતાની બેંક બદલે તો તેને નવો એકાઉન્ટ નંબર આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકે પોતાનો પગાર, હોમ લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ (SIP), વીમાનું પ્રીમિયમ, ગેસ સબસિડી કે લાઈટ-પાણીના બિલના પેમેન્ટ માટે દરેક જગ્યાએ પોતાની નવી બેંકની ડિટેલ્સ અપડેટ કરવી પડે છે. જો ક્યાંક ભૂલથી માહિતી અપડેટ કરવાનું રહી જાય, તો પેમેન્ટ ફેલ થઈ જાય છે, જેના લીધે ગ્રાહકને આર્થિક નુકસાન અને માનસિક ત્રાસ ભોગવવો પડે છે.

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

આ નવી યોજના લાગુ થતાં તમારો વર્તમાન બેંક એકાઉન્ટ નંબર તમારી કાયમી ઓળખ (Permanent ID) બની જશે. જ્યારે તમે નવી બેંકમાં તમારું ખાતું પોર્ટ કરશો, ત્યારે એ નવી બેંક તમારા જૂના એકાઉન્ટ નંબરને જ પોતાની સિસ્ટમ સાથે જોડી દેશે. રિઝર્વ બેંક આના માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ બનાવી રહી છે. તમારી બધી જ ઓટો-પેમેન્ટની સૂચનાઓ, બિલ પેમેન્ટ અને રોકાણની માહિતી આ પ્લેટફોર્મ પર સ્ટોર રહેશે. બેંક બદલતાની સાથે જ આ બધી વિગતો આપમેળે તમારા નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

બેંકોની મનમાનીનો આવશે અંત

આ સિસ્ટમ આવવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે બેંકોનું મનસ્વી વર્તન બંધ થઈ જશે. જો કોઈ બેંક સારી સર્વિસ ન આપે કે પછી બિનજરૂરી ચાર્જ વસૂલે, તો ગ્રાહક કોઈપણ અડચણ વગર બીજી સારી બેંકમાં પોતાનું ખાતું શિફ્ટ કરી શકશે. આનાથી બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતા આવશે અને દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધુ મજબૂત બનશે.