RBI On Adani Group: અદાણી ગ્રુપને લઈને ઉભા થયેલા વિવાદના વંટોળને લઈને હવે ભારતની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ મહત્વનું નિવેદન આપ્યું છે. બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અદાણી જૂથની ભારતીય બેન્કો દ્વારા આપવામાં આવેલી લોન અંગે નિવેદન બહાર પાડ્યું હતું જેમાં આરબીઆઈએ કહ્યું હતું કે, બેંકોના રેગ્યુલેટર અને સુપરવાઈઝર હોવાને કારણે આરબીઆઈ સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર સતત નજર રાખે છે જેથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહે.


આરબીઆઈએ અદાણી મામલે પોતાનું એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય બેંકો દ્વારા બિઝનેસ ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને માધ્યમોમાં અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે. આરબીઆઈએ કહ્યું છે કે, બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર અને બેંકોના સુપરવાઈઝર હોવાને કારણે તે સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર નજર રાખે છે જેથી દેશમાં નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટી લોન આપવા માટે આરબીઆઈ પાસે સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ (સીઆરઆઈએલસી) ડેટાબેઝ સિસ્ટમ છે, જેમાં બેંકો દ્વારા રૂ. 5 કરોડથી વધુની લોન પર નજર રાખવામાં આવે છે. RBI અનુસાર, ભારતનું બેંકિંગ ક્ષેત્ર પારદર્શક અને સ્થિર છે.


આરબીઆઈએ જણાવ્યું હતું કે, તેના વર્તમાન મૂલ્યાંકન મુજબ ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ પારદર્શક અને સ્થિર છે. RBI જણાવ્યા અનુસાર, કેપિટલ એડિક્વસી, સંપત્તિની ગુણવત્તા, રોકડ, પ્રોવિઝન કવરેજ, બેંકોનો નફો વધુ સારો છે. બેંકો આરબીઆઈ દ્વારા જારી કરાયેલ મોટા એક્સપોઝર ફ્રેમવર્કનું પાલન કરી રહી છે. આરબીઆઈ સતર્ક છે અને ભારતીય બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા માટે કડક તકેદારી રાખી રહી છે.


આ અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ અદાણી ગ્રુપને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, હું જવાબદારી સાથે કહેવા માંગુ છું કે, ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ સારી સ્થિતિમાં છે. અદાણી જૂથમાં એસબીઆઈ અને એલઆઈસી ઓવરએક્સપોઝ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી જૂથમાં તેમની પાસે જે પણ એક્સપોઝર છે, તે નફામાં છે. એસબીઆઈના ચેરમેન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, એસબીઆઈમાં અદાણી ગ્રુપનું એક્સ્પોઝર રૂ. 27,000 કરોડ છે, જે તેની કુલ લોન બુકના માત્ર 0.8 થી 0.9 ટકા છે.