RBI Penalty: ભારતીય રિઝર્વ બેન્કે ચાર બેન્કો પર ભારે દંડ ફટકાર્યો છે કારણ કે આ બેન્કોએ નિયમોનું પાલન કર્યું નહોતું. આરબીઆઈએ પોતાના આદેશમાં કહ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બેન્કોએ માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી જેના કારણે તેમના પર ભારે દંડ લગાવવામાં આવી રહ્યો છે.આરબીઆઇએ જે ચાર બેન્કોને દંડ ફટકાર્યો છે એ તમામ સહકારી બેન્કો છે તેમાંથી ત્રણ બેન્કો ગુજરાતની છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, જે બેન્કો પર દંડ લગાવવામાં આવ્યો છે તેમાં બારામતી કો-ઓપરેટિવ બેન્ક, બેચરાજી નાગરિક કો-ઓપરેટિવ બેન્ક, વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેન્ક અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કનો સમાવેશ થાય છે.
કઈ બેન્ક પર કેટલો દંડ?
આરબીઆઈએ કહ્યું હતું કે બારામતી કો-ઓપરેટિવ બેન્ક પર 2 લાખ રૂપિયા અને બેચરાજી નાગરિક સહકારી બેન્ક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેન્કને 5 લાખ રૂપિયા અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરબીઆઈએ બેન્કોને આપ્યા નિર્દેશ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ તમામ બેન્કો પર અલગ-અલગ કારણોસર દંડ લગાવ્યો છે અને તમામ બેન્કોને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેઓ નિયમોનું પાલન નહી કરે તો દંડ અને નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સાઈબર સુરક્ષાના નિયમોની અવગણના કરતી અન્ય બેન્ક પર દંડ લગાવ્યો હતો. એપી મહેશ કો-ઓપરેટિવ બેન્કને 65 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હેકર્સે આ બેન્કોની સિક્યોરિટી તોડી 12.48 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
ગ્રાહકો પર શું અસર થશે?
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જે બેન્કો પર દંડ લાદવામાં આવે છે. તેની ચૂકવણી બેન્કોએ જ કરવાની રહેશે. તેમાં ખાતું ખોલાવનારા લોકોએ આ રકમ ચૂકવવાની નથી. આ બદલ ગ્રાહકોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. આ દંડ બેન્ક દ્વારા જ ભરવાનો રહેશે.