નવી દિલ્હીઃ ટૂંક સમયમાં જ તમારા હાથમાં 20 રૂપિયાની નવી નોટ આવવાની છે. આ નોટનો રંગ હાલમાં હાલ ચલણમાં રહેલી 20 રૂપિયાની નોટથી એકદમ અલગ છે. ઉપરાંત તેની સાઇઝમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.




મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નોટોનો પ્રથમ જથ્થો કાનપુર સ્થિત રિઝર્વ બેંકની રિજનલ ઓફિસમાં પહોંચી ચુક્યો છે. ટૂંક સમયમાં જ 20 રૂપિયાની નવી નોટોને બેંકોમાં પહોંચાડવામાં આવશે. મહાત્મા ગાંધીની નવી સીરિઝ અંતર્ગત નોટ પર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે.  આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે જૂની 20 રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે.



આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટ પીળા રંગની છે. નોટની પાછળ દેશનો સાંસ્કૃતિક વારસો દર્શાવતી ઈલોરાની ગુફાની તસવીર છે. જૂની નોટની સરખામણીમાં નવી 20 રૂપિયાની નોટ થોડી નાની છે. જૂની નોટની તુલનામાં નવી નોટનો આકાર 20 ટકા જેટલો નાનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવી નોટનો આકાર 63mmx129mm છે.