મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા  આજે યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. AGM દરમિયામ મુકેશ અંબાણી 5જી ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.


 આજે રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ અનેક મહત્વની જાહેરાત કરી હતી. તેમ છતાં રિલાયન્સનો શેર 2.35 ટકા તૂટીને 2153.50 રૂપિયા પર બંધ રહ્યો હતો. રિલાયન્સનો શેર આજે સવારે 9 રૂપિયાની તેજી સાથે 2214.80 રૂપિયા પર ખૂલ્યો હતો અને બાદમાં લાલ ઝોનમાં જતો રહ્યો હતો. સવારે 10,20 કલાકની આસપાસ રિલાયન્સનો શેર 14 રૂપિયા તૂટીને 2191 થયો હતો. જે બાદ માર્કેટ બંધ થયું ત્યાં સુધીમાં ઘટીને 2153.50 સુધી આવી ગયો હતો. રિલાયન્સના શેરનું લો લેવલ 2140 અને હાઈ લેવલ 2216.60 રૂપિયા હતું.


આજે સેન્સેક્સ 208 પોઈન્ટની તેજી સાથે ખૂલ્યો હતો અને 392.92 પોઇન્ટની તેજી સાથે 52,699 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 51 પોઇન્ટના વધારા સાથે 15737.30 ખૂલી હતી અને 103.50 પોઇન્ટના વધારા સાથે 15,790.45 પર બંધ રહી હતી.


AGMની મોટી વાતો


ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છેઆ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે. ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો.


મુકેશ અંબાણીએ કહ્યું, 2016માં અમે દેશમાં ડિજિટલ ડ્રાઈવ અંતર્ગત જિયો લોન્ચ કર્યો હતો. હવે 2021મા અમે દેશ અને દુનિયામાં ગ્રીન એનર્જીનો નવો બિઝનેસ લોન્ચ કરી રહ્યા છીએ. અમે રિલાન્ય ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવી છે. કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશે. અમે જામનગરમાં 5000 એકટરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ વિકસિત કરવાનું કામ શરૂ કર્યુ છે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.


રિલાયન્સે ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યાની સત્તાવાર જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. તેમણે કહ્યું સાઉદી અરામકોન ચેરમેન અને સાઉદી અરબના 430 અબજ ડોલરના સોવરેન વેલ્થ ફંડના ગર્વનર યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડ સાથે જોડાયા. યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડમાં ઈંડિપેંડેંટ ડાયરેક્ટર હશે. તેના આવવાથી રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત થઈ છે.