Reliance And Disney: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના મીડિયા એસેટ્સનું ગ્લોબલ મીડિયા હાઉસ વોલ્ટ ડિઝનીના ભારતીય બિઝનેસ સાથે વિલીનીકરણ પૂર્ણ કર્યું છે. આ સાથે રૂ. 70,352 કરોડનું નવું સંયુક્ત સાહસ અસ્તિત્વમાં આવશે. બંને કંપનીઓના સંયુક્ત નિવેદન અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ સંયુક્ત સાહસમાં રૂ. 11,500 કરોડ (1.4 અરબ ડોલર)નું રોકાણ કર્યું છે. સંયુક્ત સાહસના અધ્યક્ષ નીતા અંબાણી પોતે હશે. નિવેદન અનુસાર, આ વ્યવહારમાં બાહ્ય રોકાણ ઉમેર્યા પછી, સંયુક્ત સાહસનું મૂલ્ય રૂ. 70,352 કરોડ ( 8.5 અરબ ડોલર) હોવાનો અંદાજ છે.
સંયુક્ત સાહસ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સંપૂર્ણ નિયંત્રણ
સોદો પૂરો થયા બાદ સંયુક્ત સાહસનું નિયંત્રણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સંયુક્ત સાહસમાં 16.34 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તેની સહાયક કંપની વાયાકોમ 18 સંયુક્ત સાહસમાં 46.82 ટકા હિસ્સો ધરાવે છે. ડિઝની કંપનીમાં બાકીનો 36.84 ટકા હિસ્સો ધરાવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નીતા અંબાણી આ સંયુક્ત સાહસના અધ્યક્ષ હશે, જ્યારે ઉદય શંકર ઉપાધ્યક્ષ હશે.
CCI અને NCLT તરફથી મર્જરની મંજૂરી મળી ચૂકી છે
વાયકોમ 18 મીડિયા અને વોલ્ટ ડિઝનીને વાયકોમ 18ના મીડિયા અને જિયો સિનેમા બિઝનેસના સ્ટાર ઈન્ડિયામાં વિલીનીકરણ માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI), નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) જેવા સત્તાવાળાઓ પાસેથી પહેલેથી જ મંજૂરી મળી ચૂકી છે. આ સંયુક્ત સાહસ ભારતની સૌથી મોટી મીડિયા અને મનોરંજન કંપનીઓમાંની એક હશે, જેની કુલ આવક માર્ચ 2024માં સમાપ્ત થતા છેલ્લા નાણાકીય વર્ષ (2023-24) માટે આશરે રૂ. 26,000 કરોડ (3.1 અરબ ડોલર) હશે.
સંયુક્ત સાહસમાં 100 થી વધુ ટીવી ચેનલો હશે
સંયુક્ત સાહસ 100 થી વધુ ટીવી ચેનલો ધરાવે છે અને વાર્ષિક 30,000 કલાકથી વધુ ટીવી મનોરંજન સામગ્રી તૈયાર કરે છે. JioCinema અને Hotstar ડિજિટલ પ્લેટફોર્મનો કુલ ગ્રાહક આધાર 5 કરોડથી વધુ છે. સંયુક્ત સાહસ ક્રિકેટ, ફૂટબોલ અને અન્ય રમતોમાં રમતગમતના અધિકારોનો પોર્ટફોલિયો ધરાવે છે.