નવી દિલ્હી: એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીએ સોમવારે રિલાયન્સની 42મી એજીએમમાં જિયો ફાઇબરની જાહેરાત કરી હતી. જિયો ફાઇબરની જાહેરાત કરતા જ કંપનીના શેરના ભાવમાં ઈન્ટ્રાડેમાં 12%નો વધારો જોવા મળ્યો હતો. જે 14 જાન્યુઆરી, 2009 બાદ રિલાયન્સના ઈન્ટ્રા ડેમાં આવેલો સૌથી મોટો વધારો છે. ત્યારે મુકેશ અંબાણીના નેટવર્થમાં મંગળવારે આશરે 31595 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. બ્લૂમબર્ગના બિલયોનેર ઇન્ડેક્સ પ્રમાણે અંબાણીની નેટવર્થ અંદાજે 3.54 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીના કારણે કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને ફાયદો થયો. રિલાયન્સનો શેર મંગળવારે બીએસઇ પર 10 ટકા વૃદ્ધિ સાથે 1275 પર બંધ થયો હતો. મુકેશ અંબાણીએ સોમવારે રિલાયન્સની 42મી એજીએમમાં જિયો ફાઇબરની જાહેરાત કરી હતી. તેના લીધે મંગળવારે શેરમાં તેજી જોવા મળી હતી.

મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલયોનેર ઇન્ડેક્સમાં સોમવાર સુધી 18મા નંબર પર હતા પણ હવે તેઓ 15મા સ્થાને પહોંચી ગયા છે. ટોપ-50માં અંબાણી સિવાય માત્ર અઝીમ પ્રેમજી સામેલ છે. ટોપ 100માં માત્ર ચાર ભારતીય છે.

એમેઝોનના ફાઉન્ડર અને સીઇઓ જેફ બેઝોસ બિલયોનેર ઇન્ડેક્સમાં તેમનો પ્રથમ ક્રમાંક છે. તેમની નેટવર્થ 114 અરબ ડોલર છે. બીજા નંબર પર માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ છે. તેમની નેટવર્થ 106 અરબ ડોલર છે.