રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધતા કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા જરૂરી પગલાઓ અને આગામી વર્ષોમાં કંપનીની યોજનાઓ વિશે માહિતી આપી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ કહ્યું કે આજે બોર્ડ મીટિંગમાં આ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
બોર્ડમાં થયેલા આ ફેરફાર અંગે કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું હતું કે આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બોર્ડે નીતા અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે RILના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ નવા ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી રહ્યું છે. દેશમાં સરેરાશ યૂઝર્સ દરરોજ 25 GB ડેટા યૂઝ કરે છે અને દેશના કુલ 5G નેટવર્ક યૂઝમાં Jioનો હિસ્સો 85 ટકા છે. Jio દ્વારા ભારતમાં સૌથી ઝડપી 5G નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લૉન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમને કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. FY2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સૉલિડેટેડ પ્રૉફિટ રેકોર્ડ 9.74 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. કોર્પૉરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો ખર્ચ 1271 કરોડ રૂપિયા થયો છે. મુકેશ અંબાણીએ કહ્યું કે 9 મહિનામાં 96 ટકા ગામડાઓમાં Jio સેવાઓ ઉપલબ્ધ થશે. ભારતના વિકાસમાં Jio 5G અને Jio Bharatનો મોટો ફાળો રહેશે. Jio Air Fiber આ એપિસોડમાં એક મોટું ગેમચેન્જર હશે.