મુંબઈઃ શેરબજારમાં આજે 600 પોઈન્ટના કડાકા વચ્ચે પણ રિલાયન્સના શેરમાં ઈન્ટ્રાડેમાં તેજી જોવા મળી છે. સોમવારે મળેલી રિલાયન્સની 42મી એજીએમમાં મુકેશ અંબાણી જિયો ફાઇબરની જાહેરાત કરી હતી, જેનો ફાયદો કંપનીને થયો હતો. આજે કંપનીના શેરના ભાવમાં ઈન્ટ્રાડેમાં 12%નો વધારો જોવા મળ્યો હતો. જે  14 જાન્યુઆરી, 2009 બાદ રિલાયન્સના ઈન્ટ્રા ડેમાં આવેલો સૌથી મોટો વધારો છે.



રિલાયન્સની જાહેરાત બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયામાં અનુક્રમે 4% અને 5% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.  મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરથી જિઓ ગીગાફાઈબરના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિયોના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. અમેરિકા અને કેનેડા કોલિંગ માટે અનલિમિટેડ પ્લાન 500 રૂપિયા પ્રતિ માસ હશે.



એજીએમમાં જિયો ગીગા ફાઈબરના પ્લાન્સની જાણકારી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ગ્રાહકોને સારો અનુભવ આપવા માટે રિલાયન્સ જિયોએ ગીગા ફાઈબર અને જિયો સેટ ટોપ બોક્સમાં અનેક પ્લાન્સ બનાવ્યા છે. મુકેશ અંબાણી જણાવ્યું કે, જે ગ્રાહકો જિઓ ગીગા ફાઈબર અને જિઓ સેટ ટોપ બોક્સનો જિયો ફોર એવર પ્લાન્સ લેશે, તેને કંપની તરફથી 4કે ટીવી અને એચડી 4કે સેટ ટોપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. જોકે, હાલમાં પ્લાન્સની કિંમત વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી