Reliance Q4 Results: નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો લગભગ 2 ટકા ઘટીને રૂ. 18,951 કરોડ થયો છે. આ અગાઉ, નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 19,299 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં, રિલાયન્સની કામગીરીમાંથી આવક 11 ટકા વધીને રૂ. 2.4 લાખ કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 2.16 લાખ કરોડ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના શેરધારકોને શેર દીઠ રૂ. 10ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.


1 લાખ કરોડને વટાવી ગયો પ્રી ટેક્સ પ્રોફિટ
સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે કંપનીની કંસોલિડેટેડ આવક રૂ. 10000122 કરોડ ( 119.9 બિલિયન ડોલર) હતી, જે 2.6 ટકાની વૃદ્ધિ સાથે હતી. કંપનીએ કહ્યું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે કર પૂર્વેનો નફો (Profit Before Tax) રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે અને રૂ. 104727 કરોડ છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 11.4 ટકા વધુ છે. જ્યારે ટેક્સ ચૂકવ્યા બાદ સમગ્ર નાણાકીય વર્ષમાં નફો 79020 કરોડ રૂપિયા થયો છે.


ભારતીય અર્થતંત્ર મજબૂત થયું
ત્રિમાસિક પરિણામો પર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સના તમામ વ્યવસાયોએ ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મોટો ફાળો આપ્યો છે. ભારતીય અર્થતંત્રને વેગ આપતા તમામ વિભાગોએ ઉત્તમ નાણાકીય અને સંચાલન કામગીરી દર્શાવી છે. આ સાથે કંપનીએ ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. તેમણે કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ દેશની પ્રથમ કંપની બની છે જેનો પ્રિ ટેક્સ પ્રોફીટ 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.


Jio પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલના નફામાં વધારો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે જિયો પ્લેટફોર્મના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથા ક્વાર્ટરમાં Jio પ્લેટફોર્મની આવક 13.3 ટકા વધીને રૂ. 33,835 કરોડ થઈ છે, જ્યારે ચોખ્ખો નફો રૂ. 5583 કરોડ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4985 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની આવક 10.6 ટકા વધીને રૂ. 76,627 કરોડ થઈ છે અને કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 2698 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2415 કરોડ હતો.