Retail Inflation Data For July 2023: ટામેટાં સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારાને કારણે જુલાઈ 2023માં છૂટક ફુગાવાનો દર ફરી એક લાંબી છલાંગ મારી અને 7 ટકાને પાર કરી ગયો. CPI ફુગાવો જુલાઈમાં વધીને 7.44 ટકા થયો છે, જે જૂન 2023માં 4.81 ટકા હતો. જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના 6 ટકાના ટોલરેન્સ બેન્ડના ઉપલા સ્લેબને વટાવી ગયો હતો. ડેટા અનુસાર શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી દર 7.63 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 7.20 ટકા રહ્યો છે.
મોંઘી ખાદ્ય વસ્તુઓ
રિટેલ મોંઘવારી દરને લઈને આંકડા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં મોટો વધારો થયો છે. જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 11.51 ટકા હતો જે જૂનમાં 4.49 ટકા હતો. એટલે કે એક જ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં બમણાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.
શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો
જુલાઈ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 37.34 ટકા હતો, જે જૂન 2023માં -0.93 ટકા હતો. એટલે કે એક મહિનામાં લીલોતરી અને શાકભાજીના ફુગાવાના દરમાં 38 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કઠોળનો મોંઘવારી દર 13.27 ટકા રહ્યો છે, જે જૂનમાં 10.53 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 21.53 ટકા રહ્યો છે જે જૂનમાં 19.19 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવ હજુ પણ 8.34 ટકા પર છે, જે જૂનમાં 8.56 ટકા હતા. ખાદ્ય અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે, જે જૂનમાં 12.71 ટકા હતો. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે તેલ અને ફેટ્સનો ફુગાવો જૂનમાં -18.12 ટકાની સરખામણીએ -16.80 ટકા રહ્યો છે.
મોંઘી EMIમાંથી રાહત પર પાણી ફરી વળ્યું!
ગયા વર્ષે મે 2022માં છૂટક મોંઘવારી દર 7 ટકાને વટાવ્યા પછી જ આરબીઆઈએ પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં વધારો કરવાનું શરૂ કર્યું. રેપો રેટ 4 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. મે 2023 માં જ્યારે છૂટક ફુગાવાનો દર ઘટીને 4.25 ટકા થયો, ત્યારે મોંઘા EMIમાંથી રાહતની આશા હતી. પરંતુ ફરીથી છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર કરી ગયા બાદ મોંઘી EMIમાંથી રાહત મળવાની આશા હાલ પુરતી પુરી થઈ રહી છે. કારણ કે મોંઘવારી દર RBIના ટોલરન્સ બેન્ડથી ઉપર પહોંચી ગયો છે.