મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મુકેશ અંબાણીએ આજે કંપનીની 42મી એજીએમમાં જમ્મુ-કાશ્મીર અને લદાખને લઈ મોટું નિવેદન આપ્યું હતું. અંબાણીએ કહ્યું, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોની જરૂરિયાતને પહોંચી વળવા અમે કટિબદ્ધ છીએ. આ બંનેને લઈ તમે આગામી દિવસોમાં કેટલીક જાહેરાત જોશો.



મુકેશ અંબાણીએ કહ્યું, ટૂંક સમયમાં અમે આ વિસ્તારમાં વિકાસ યોજનાઓની જાહેરાત કરીશું. અહીં વિકાસલક્ષી ગતિવિધિઓ માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવીશું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે કરેલા સંબોધનમાં ઉદ્યોગપતિઓને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાની અપીલ કરી હતી.



મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરથી જિયો ગીગાફાઈબરના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી હતી.  એજીએમમાં જિયો ગીગા ફાઈબરના પ્લાન્સની જાણકારી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ગ્રાહકોને સારો અનુભવ આપવા માટે રિલાયન્સ જિયોએ ગીગા ફાઈબર અને જિયો સેટ ટોપ બોક્સમાં અનેક પ્લાન્સ બનાવ્યા છે. મુકેશ અંબાણી જણાવ્યું કે, જે ગ્રાહકો જિઓ ગીગા ફાઈબર અને જિઓ સેટ ટોપ બોક્સનો જિયો ફોર એવર પ્લાન્સ લેશે, તેને કંપની તરફથી 4કે ટીવી અને એચડી 4કે સેટ ટોપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. જોકે, હાલમાં પ્લાન્સની કિંમત વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.



મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિયોના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. આ ખર્ચ પ્લાન પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, જિયો ગીગા ફાઈબર પર વોયસ કોલ સંપૂર્ણ રીતે ફ્રી હશે અને ગ્રાહકોએ માત્ર ડેટા માટે જ ચૂકવણી કરવી પડશે.