Rupee at All time Low: આજે ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો થયો છે અને તે 21 પૈસાના મોટા ઘટાડા સાથે ખુલ્યો છે. આજે રૂપિયો ડૉલરના મુકાબલે 77.13 રૂપિયા પ્રતિ ડૉલર પર ખૂલ્યો છે અને શુક્રવારે તે 76.92 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો છે. આજે રૂપિયામાં જોવા મળેલો આ સૌથી મોટો ઘટાડો છે અને રૂપિયો તેના ઓલ ટાઈમ લો લેવલ પર આવી ગયો છે.
શરૂઆતના વેપારમાં જ રૂપિયો પ્રતિ ડૉલર રૂ. 77.20 પર આવ્યો હતો
શરૂઆતના વેપારમાં જ રૂપિયો ડૉલરની સરખામણીમાં 77.20 રૂપિયા પ્રતિ ડૉલર પર આવી ગયો હતો, એટલે કે 1 ડૉલર માટે તમારે 77.20 રૂપિયા ચૂકવવા પડશે. શુક્રવારે, તે 77.05 ના ઓલ ટાઈમ લો લેવલની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો અને માર્ચમાં ડોલર દીઠ 77.05 રૂપિયાનું આ સ્તર આવ્યું હતું. જોકે, તે આજથી રેકોર્ડ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે અને ઘટીને 77.41 રૂપિયા પ્રતિ ડૉલર પર આવી ગયો છે.
રૂપિયાના ઘટાડાનું કારણ શું હતું
રૂપિયાના ઘટાડાની પાછળ રોકાણકારોનો સુરક્ષિત વૈશ્વિક બજારોમાં નાણાં રોકવાનો નિર્ણય, રશિયા-યુક્રેન યુદ્ધ યુરોપ સુધી પહોંચવાની આશંકા અને વધતા વ્યાજદરની અસર શેરબજાર પર પડી રહી છે. તેની અસર રૂપિયાના કારોબાર પર પણ જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળો - રૂપિયામાં મજબૂત ઘટાડો
ડૉલર ઇન્ડેક્સ તેની બે દાયકા (20-વર્ષ)ની ઊંચી સપાટીએ પહોંચી રહ્યો છે અને સતત પાંચ સપ્તાહથી ઉપલા સ્તરે રહ્યો છે. ફેડરલ રિઝર્વે તાજેતરમાં બેન્ચમાર્ક ફંડ રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે, જેના કારણે ડોલરની વૈશ્વિક કિંમતમાં ઉછાળો આવ્યો છે. તે જ સમયે, ભારતીય બજારમાં વર્તમાન શંકાઓને કારણે, રૂપિયા માટે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે અને આજે તે અત્યાર સુધીના નીચલા સ્તરે આવી ગયું છે.