Rupee At All Time Low: બુધવારે ફરી એકવાર કરન્સી માર્કેટમાં રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 83 રૂપિયાના સ્તરથી નીચે પહોંચી ગયો છે. કરન્સી માર્કેટના બંધ સમયે રૂપિયો 66 પૈસા એટલે કે 0.8 ટકાના ઘટાડા સાથે રૂ. 83.02 પર બંધ થયો હતો.


રૂપિયો 85ના સ્તરે આવી શકે...


રૂપિયામાં આ ઘટાડો યુએસ બોન્ડ રેટ (US Treasury Yeilds)માં વધારા પછી જોવા મળ્યો છે. ડોલરની મજબૂતાઈએ રૂપિયાનું અવમૂલ્યન કરવાનું કામ કર્યું છે. ભારત સરકારના 10 વર્ષના બોન્ડ પર યીલ્ડ વધીને 7.4510 ટકા થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, જ્યારે ડોલર 82.40 રૂપિયા પર, RBIએ દખલ કરી હતી અને રૂપિયાને ગગડતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એવું માનવામાં આવે છે કે જો આરબીઆઈ હસ્તક્ષેપ નહીં કરે તો રૂપિયામાં ઘટાડો થવાનો સિલસિલો ચાલુ રહી શકે છે. નિષ્ણાતોના મતે માર્ચ 2023 સુધીમાં રૂપિયો 85ના સ્તરે આવી શકે છે.






ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડોઃ


જો કે, આરબીઆઈના હસ્તક્ષેપને કારણે, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. એક વર્ષ પહેલાં, 642 બિલિયન ડોલરનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતું, જે ઘટીને લગભગ 538 બિલિયન ડોલર થઈ ગયું છે. એટલે કે ફોરેન એક્સચેન્જ ફંડમાં 100 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ઘણા નિષ્ણાતો માને છે કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને $500 બિલિયન થઈ શકે છે.


આયાત મોંઘી થશેઃ


જો ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેના કારણે ચાલુ ખાતાની ખાધ વધી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન સુધી ચાલુ ખાતાની ખાધ વધીને $23.9 બિલિયન થઈ ગઈ છે, જે GDPના 2.8 ટકા જેટલી છે. મહત્વનું છે કે, કોઈ પણ વસ્તુની આયાત કરવા માટે ડોલરમાં ચુકવણી થાય છે. ત્યારે રુપિયાનું મુલ્ય ડોલર સામે સતત ઘટી રહ્યું છે તેથી આયાત મોંઘી થશે આ સાથે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થાય છે.