Sabka Bima Sabki Raksha Bill: ભારતીય અર્થતંત્ર અને ખાસ કરીને વીમા ક્ષેત્ર માટે બુધવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. સંસદના બંને ગૃહોમાં "Sabka Bima Sabki Raksha" Bill 2025 પસાર થઈ ગયું છે. આ નવા કાયદા હેઠળ વીમા ક્ષેત્રમાં Foreign Direct Investment (FDI) ની મર્યાદા વર્તમાન 74% થી વધારીને સીધી 100% કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે, સ્પર્ધા વધતા વીમાના પ્રીમિયમ ઘટશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
લોકસભા બાદ રાજ્યસભાએ પણ બુધવારે ધ્વનિ મતથી 'સબકા બીમા સબકી રક્ષા' (ઈન્સ્યોરન્સ કાયદા સુધારા) બિલ, 2025 ને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વીમા બજારને વૈશ્વિક સ્તરે ખોલવાનો અને મજબૂત કરવાનો છે. વિરોધ પક્ષો દ્વારા આ બિલને સંસદીય પેનલ પાસે મોકલવા સહિતના અનેક સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા, પરંતુ ગૃહે તેને નકારી કાઢ્યા હતા. આ બિલ પાસ થતાની સાથે જ હવે વિદેશી કંપનીઓ ભારતીય વીમા કંપનીઓમાં 100% સુધીનું રોકાણ કરી શકશે, જેના માટે તેમને ભારતીય ભાગીદાર શોધવાની ફરજ પડશે નહીં.
બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman એ ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે આ સુધારો સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે એફડીઆઈ મર્યાદા વધારવાથી વિદેશી કંપનીઓ માટે ભારતમાં પ્રવેશવું સરળ બનશે. ઘણી વિદેશી કંપનીઓ સંયુક્ત સાહસ (Joint Venture) માટે યોગ્ય ભારતીય ભાગીદાર ન મળવાને કારણે રોકાણ કરતા અચકાતી હતી, પરંતુ હવે 100% FDI ની છૂટ મળતા મૂડીનો પ્રવાહ વધશે.
રોજગારી અને ગ્રાહકોને ફાયદો
નાણામંત્રીએ આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે જ્યારે આ ક્ષેત્રમાં FDI મર્યાદા 26% થી વધારીને 74% કરવામાં આવી હતી, ત્યારે રોજગારીના સર્જનમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. હવે આ મર્યાદા 100% થવાથી યુવાનો માટે નોકરીની વિપુલ તકો ઉભી થશે. વધુ કંપનીઓ માર્કેટમાં આવવાથી સ્પર્ધા (Competition) વધશે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. સ્પર્ધા વધવાને કારણે વીમા પોલિસીના Premium Rates માં ઘટાડો થશે અને લોકોને સસ્તો વીમો મળી રહેશે.
બિલમાં કયા કાયદા બદલાયા? આ નવા વિધેયક દ્વારા જૂના પુરાણા કાયદાઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે:
Insurance Act, 1938
Life Insurance Corporation (LIC) Act, 1956
IRDA Act, 1999
આ સુધારા મુજબ, હવે વીમા કંપની સાથે બિન-વીમા કંપની (Non-insurance company) નું મર્જર પણ શક્ય બનશે. સૌથી મહત્વની વાત એ છે કે પોલિસીધારકોના પૈસા સુરક્ષિત રહે તે માટે એક વિશેષ 'Policyholder Protection Fund' (પોલિસીધારક શિક્ષણ અને સુરક્ષા ભંડોળ) ની સ્થાપના કરવામાં આવશે. સરકારનો દાવો છે કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો છે, જે વીમાની પહોંચ છેવાડાના માનવી સુધી લઈ જશે.