સહારા ઈન્ડિયાના કરોડો રોકાણકારો માટે રાહતના સમાચાર છે. વર્ષોથી અટવાયેલા તેમના નાણાં મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં રોકાણકારોના નાણાં પરત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું, જેના પર લાખો રોકાણકારોએ ક્લેમ માટે અરજી કરી હતી. શુક્રવારે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે દિલ્હીમાં સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા જૂથની કો-ઓપરેટિવ સોસાયટીઓના ડિપોઝિટર્સની ક્લેમ અમાઉન્ટ ટ્રાન્સફર કરી હતી.
15 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે
કેન્દ્ર સરકારે સહારા ગ્રુપ (સહારા ઈન્ડિયા)ની કો-ઓપરેટિવમાં ફસાયેલા કરોડો રોકાણકારોના નાણાં પરત કરવા માટે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (CRCS) પોર્ટલ શરૂ કર્યું છે. આ દ્વારા સહારાની ચાર સહકારી મંડળીઓના આવા રોકાણકારો તેમના નાણાં પરત મેળવી શકશે, જેમની રોકાણની પાકતી મુદત પુરી થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં રોકાણકારોને 10,000 રૂપિયાની રકમ પરત કરવામાં આવશે. જે લોકોએ 10,000 રૂપિયાથી વધુ જમા કરાવ્યા છે તેમને પણ માત્ર 10,000 રૂપિયા જ રિફંડ કરવામાં આવશે.
અમિત શાહે ક્લેમની રકમ ટ્રાન્સફર કરી
સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી કરાવનારા લાખો રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે કહ્યું હતું કે 45 દિવસમાં રોકાણકારોના પૈસા તેમના ખાતામાં પહોંચી જશે અને હવે સહારાની કો-ઓપરેટિવમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારોના પૈસા પરત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ કામની શરૂઆત પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવી છે.
112 લાભાર્થીઓના ખાતામાં રિફંડ ટ્રાન્સફર
સહારાના રોકાણકારોના ક્લેમની રકમ ટ્રાન્સફર કરતી વખતે કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે કહ્યું કે સહારાના રોકાણકારોના પૈસા પાછા મળવાની શરૂઆત થઇ ગઇ છે જે ખૂબ જ આનંદની વાત છે. અમિત શાહના જણાવ્યા અનુસાર, આજે 112 લાભાર્થીઓને 10,000 રૂપિયાનો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ સાથે આ પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં રિફંડ માટે અરજી કરનારા રોકાણકારોનો ડેટા રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સહારા રિફંડ પોર્ટલની શરૂઆતથી તેના પર 18 લાખ લોકોએ નોંધણી કરાવી છે.
આ સોસાયટીઓના રોકાણકારોને પરત મળશે
નોંધનીય છે કે સહકાર મંત્રાલયે સહારા ગ્રુપની સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ પાસે પૈસા જમા કરાવનારા રોકાણકારોને રિફંડ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે 5000 કરોડ રૂપિયા CRCSને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.