સાઉદી અરબ વહેલી તકે ક્રૂડનો પૂરવઠો શરૂ નહીં કરી શકે તો ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની ઊંચાઈને પણ સ્પર્શી શકે છે. સાઉદી અરબના ઓઈલ ઉદ્યોગના હાર્દ સમા બે ઉત્પાદન એકમો પર શનિવારે ડ્રોનથી થયેલા હુમલાને પગલે સાઉદી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં અડધાથી વધુ અથવા વૈશ્વિક ઉત્પાદનના પાંચ ટકા જેટલો કાપ મૂકાવાની આશંકા સેવાઈ રહી છે.
લંડનનો બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 19.5 ટકા વધીને 71.95 ડોલર પ્રતિ બેલર સુધી પહોંચી ગયો હતો. આ 14 જૂન 1991 બાદ ક્રૂડ ઓઈલમાં સૌથી મોટો ઉછાળો છે.
સાઉદી અરામકો પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા આયાતકાર દેશ ભારતમાં સરકારની ચિંતા વધી ગઈ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે સાંકળવામાં આવ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળાની સીધી અસર ભારત પર પડશે. આ હુમલાને કારણે અંદાજે 5 ટકા પુરવઠાને અસર પડી છે. જેના કારણે આગામી એક સપ્તાહમાં ક્રૂડની કિંમતમાં 15-20 ડોલર સુધીનો વધારો થઈ શકે છે.