નવી દિલ્હીઃ આમ તો દર મહને બેંકને લઈને અનેક નિયમોમાં ફેરફાર થતા રહે છે. પરંતુ 1 માર્ચથી ત્રણ મોટા નિયમ બદલવા જઈ રહ્યા છે. જેના વિશે તમારે જાણકારી મેળવવી જરૂરી છે. ખાસ કરીને જો તમારું ખાતું એસબીઆઈમાં છે તો તમને પણ અસર પડી શકે છે.

જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં છે તો 28 ફેબ્રુઆરી સુધીમાં કેવાઇસી પૂરી નહીં થાય તો તો બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરી નહીં શકો. બેંકે ખાતાધારકોને મેસેજ, ઈમેલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કર્યા હતા કે બેંક ખાતાનું KYC 28 ફેબ્રુઆરી સુધી પૂરું કરી લે. જો 28 ફેબ્રુઆરી સુધી તમે તમારું બેક એકાઉન્ટનું કેવાયસી અપડેટ નહીં કરાવો તો તમારું બેંક ખાતું બ્લોક થઈ જશે. તમે તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. બેંકમાં KYC માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી, રેશનકાર્ડ, વિજળીબિલ સહિત કુલ 12 દસ્તાવેજો જમા કરવામાં આવી શકે છે.

માર્ચ મહિનાથી જ SBI ખાતેદારોના ડેબિટ કાર્ડને લઈને મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ફેરફાર બાદ હવે એસબીઆઇ કોઇ પણ ખાતેદારો માટે સ્થાનિક ડેબિટ કાર્ડ જ ઇશ્યું કરશે. અગાઉ બેંક મોટેભાગે ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કાર્ડ ઇશ્યુ કરી દેતી હતી.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને કહ્યું છે કે એટીએમ અને ડેબિટ કાર્ડનાં અનેક ગોટાળા દેશમાં સામે આવ્યા છે. આથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે કોઇ ગ્રાહક ઇન્ટરનેશનલ સેવા ઇચ્છે છે તો તેને સીધો જ બેન્કનો સંપર્ક કરવો પડશે. જૂના કાર્ડના ગ્રાહકો પણ નક્કી કરી શકે છે કે તેને ઈન્ટરનેશનલ સેવા ચાલું રાખવી કે નહીં.