નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકડાઉન વચ્ચે લોકો બેંકિંગ સાથે સંકળાયેલા કામ ઘરે બેઠા જ કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે ફેક કોલ્સની સંખ્યા પણ વધી ગઈ છે. આ ખતરા વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે.


સાઈબર ક્રાઈમ કરનારા અપરાધી લલચામણી ઓફર  આપીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. એસબીઆઈએ તેના ગ્રાહકોને મેસેજ મોકલીને જે નંબર પરથી આવા કોલ આવે છે તે મોકલી આપ્યા છે. એસબીઆઈએ તેના એસએમએસમાં કહ્યું કે, જો તમને 1800 કે 1860 થી શરૂ થતાં નંબરથી કૉલ આવે તો તમારા ક્રેડિટ કાર્ડની કોઈપણ માહિતી શેર ન કરો.

એસબીઆઈએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. ભારતીય સ્ટેટ બેંકનું કહેવું છે કે કોરોના વાયરસ સંબંધિત ઈ-મેલ કે સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા પહેલા તે લિંક કે પોસ્ટની ખરાઈ કરો. ઉપરાંત તમારી વ્યક્તિગત કે નાણાકીય જાણકારીની કોઈ માહિતી શેર ન કરો.