નવી દિલ્હીઃ એસબીઆઈના હોમલોન ગ્રાહકો માટે સારા અને એફડી ખાતાધારકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. એસબીાઈએ માર્જિનલ કોસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ MCLRમાં 0.1 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. જે પહેલા MCLR 8.25 ટકા હતો તે હવે ઘટીને 8.15 ટકા વાર્ષિક થઈ ગયો છે. MCLR રેટ ઘટવાને કારણે હોમ લોનના વ્યાજ દર પણ ઘટી જશે. આ નવા રેટ 10 સપ્ટેમ્બરથી લાગુ થશે. નાણાંકીય વર્ષ 2019-20માં આ પાંચમી વખત છે જ્યારે એસબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


રિટેલ ડિપોઝિટ રેટમાં 0.25 ટકાનો ઘટાડો અને ટર્મ ડિપોઝિટ રેટમાં 0.1થી 0.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ તરફથી આવું પગલું રિઝર્વ બેંક તરફથી કરવામાં આવેલા રેપો રેટના નિર્ણય પછી ભરવામાં આવ્યું છે. આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી રેપો રેટમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એસબીઆઈ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ફિક્સ્ડ ડિપોઝિટ પરના નવા દરોમાં રિટેલ માટે 20થી 25 બેસિસ પોઇન્ટ ઘટાડો અને બલ્ક ડિપોઝિટમાં (એક સાથે વધારે પ્રમાણમાં થાપણ) 10-20 બેસિસિ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈના જણાવ્યા પ્રમાણે ઘટી રહેલા વ્યાજદર સાથે ડિપોઝિટના દરના તાલમેલ માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે.