SBI Utsav Fixed Deposit Scheme: દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે, તેથી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ આ અવસર પર એક વિશેષ મુદતની થાપણ યોજના (Fixed Deposit) શરૂ કરી છે, જેનું નામ ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ (Utsav Fixed Deposit Scheme) છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ટૂંકા ગાળા માટે ખુલ્લી છે, જેના પર થાપણદારોને વધુ વળતર મળે છે.


રોકાણ પર વધુ વ્યાજ મળશે
SBIએ ટ્વીટ કરીને આ ડિપોઝિટ સ્કીમ વિશે જાણકારી આપી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે SBI ઉત્સવ ડિપોઝિટ સ્કીમ લઈને આવી છે, જેમાં રોકાણ પર વધુ વ્યાજ મળશે. SBIની ઉત્સવ ડિપોઝિટ સ્કીમમાં, રોકાણકારોને 1000 દિવસની FD પર 6.10 ટકા વ્યાજ મળશે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ મળશે.






SBI ઉત્સવ ડિપોઝિટ સ્કીમ 15 ઓગસ્ટ, 2022 થી આગામી 75 દિવસ માટે ખુલ્લી રહેશે. તાજેતરમાં, SBI એ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ ધરાવતી FD પરના વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે 13 ઓગસ્ટ, 2022થી અમલમાં આવ્યો છે. SBIએ તમામ મુદતની FD પર વ્યાજ દરોમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. SBIએ 1 વર્ષથી 2 વર્ષની મુદતવાળી FD પર વ્યાજ દર 5.30 ટકાથી વધારીને 5.45 ટકા કર્યો છે. SBIએ 5 થી 10 વર્ષની FD પર વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.65 ટકા કર્યો છે.



કર્ણાટક બેંક લિમિટેડે પણ ખાસ સ્કીમ જાહેર કરી 
ખાનગી ક્ષેત્રની કર્ણાટક બેંક લિમિટેડ (KBL) એ સ્વતંત્રતા દિવસના અવસર પર તેના ગ્રાહકોને એક ખાસ ભેટ આપી છે. બેંકે આ ગિફ્ટ 75મા સ્વતંત્રતા દિવસ પર આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી માટે આપી છે.


બેંકની વેબસાઇટ અનુસાર, આ સ્કીમનું નામ KBL અમૃત સમૃદ્ધિ છે, જેમાં ACC અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવી બે શ્રેણીઓ છે. બેંક 75 અઠવાડિયાની મુદતવાળી FD પર 6.10 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. બેંકે કહ્યું કે આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર આ ખાસ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે અને આ FD 525 દિવસ અથવા 75 અઠવાડિયામાં મેચ્યોર થશે.


બેંકના MD અને CEO મહાબળેશ્વર એમએસએ જણાવ્યું હતું કે, ભારત આજે તેના સુવર્ણ ઇતિહાસના દિવસની ઉજવણી કરી રહ્યું છે. સ્વતંત્રતાના આ ખાસ અવસર પર અમારી બેંકે તેના ગ્રાહકો માટે એક ખાસ ભેટ પણ આપી છે. KBL અમૃત સમૃદ્ધિ જેવા નવા ઉત્પાદનો સાથે, બેંકે તેના ગ્રાહકો માટે ઊંચા વ્યાજ દરની FD રજૂ કરી છે. હું અમારા તમામ ગ્રાહકોને આ ટૂંકી ઓફરનો લાભ લેવા અપીલ કરું છું.