SBI reward points scam 2026: આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગ રોજબરોજ છેતરપિંડી કરવાના નવા-નવા કીમિયાઓ શોધી રહ્યા છે. જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે અથવા તો તમે SBI નું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરો છો, તો તમારે હવે ખૂબ જ સાવધાન થવાની જરૂર છે. હાલમાં SBI રિવોર્ડ પોઈન્ટ્સના નામે સાયબર ગુનેગારો દ્વારા ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનું એક મોટું કાવતરું ચાલી રહ્યું છે, જેમાં તમારી એક નાની અમથી બેદરકારી પણ તમને લાખોનો ચૂનો લગાવી શકે છે.
સામાન્ય રીતે અન્ય બેંકોની જેમ SBI પણ પોતાના ગ્રાહકોને ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી થતા ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ્સ આપે છે. આ પોઈન્ટ્સનો ઉપયોગ મોબાઈલ રિચાર્જથી લઈને ઓનલાઈન શોપિંગ સુધીના કામોમાં થઈ શકે છે. પરંતુ જો 2 વર્ષ સુધી તેનો ઉપયોગ ન થાય તો તે એક્સપાયર થઈ જાય છે. ગ્રાહકોમાં આ ફ્રી રિવોર્ડ પોઈન્ટ્સ વાપરવાનો મોટો ક્રેઝ હોય છે, અને બસ આ જ નબળાઈનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ તેમને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.
સ્કેમર્સ ગ્રાહકોને SMS અથવા WhatsApp પર એક મેસેજ મોકલે છે કે જેમાં લખેલું હોય છે કે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થઈ રહ્યા છે, તેને જલ્દીથી રિડીમ કરી લો. આ મેસેજની સાથે તેઓ એક લિંક કે 'APK' ફાઈલ પણ મોકલે છે. જો તમે લાલચમાં આવીને આ ફાઈલ ડાઉનલોડ કરો છો, તો તમારા ફોનમાં છૂપી રીતે માલવેર (વાયરસ) ઈન્સ્ટોલ થઈ જાય છે. આ માલવેર એટલો ખતરનાક હોય છે કે તે તમારા પર્સનલ ડેટા, બેંકની વિગતો અને તમારા ફોન પર આવતા OTP ની ચોરી કરી લે છે અને ગણતરીની મિનિટોમાં જ તમારું બેંક એકાઉન્ટ સાફ કરી દે છે.
આ વાયરલ થઈ રહેલા સ્કેમ મેસેજ પાછળનું સત્ય જણાવતા ભારત સરકારની એજન્સી 'PIB ફેક્ટ ચેક'એ લોકોને ચેતવણી આપી છે. PIB એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના મેસેજ તદ્દન નકલી છે. SBI ક્યારેય પણ પોતાના ગ્રાહકોને પોઈન્ટ્સ રિડીમ કરવા માટે SMS કે WhatsApp દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ ડાઉનલોડ કરવા માટે મોકલતી નથી. તેથી, જો તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો અને અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો. સાવચેતી એ જ તમારી સાચી બચત છે!
