નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા બેંકોમાં વ્યાજ વધારે મળવાને કારણે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી કરાવવી ફાયદાકારક સાબિત થતી હતી. પરંતુ છેલ્લા ઘણાં સમયથી બેંકો તરફતી રિટેલ એફડી પર વ્યાજ દરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને સરકારી બેંક એસબીઆઈ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં સતત ઘટાડો કરી રહી છે. હવે એસબીઆઈએ ફરી એક વખત એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે 7 દિવસથી 45 દિવસની મેચ્યોરિટીને છોડીને તમામ પ્રકારની એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

જ્યારે 46 દિવસથી 179 દિવસની મેચ્યોરિટીવાળી એફડી માટે એસબીઆઈએ વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે નવો વ્યાજ દર 5 ટકા થઈ ગયો છે જે પહેલા 5.5 ટકા હતો.

તેવી જ રીતે 180થી 210 દિવસ અને 211થી 1 વર્ષના ગાળા માટેની એફડી પર વ્યાજ દર 5.5 ટકા કરવામાં આવ્યો છે. આ પહેલા 5.8 ટકા વ્યાજ મળતું હતું.

બેંકે 1થી 10 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પરના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. હવે આ એફડી પર ગ્રાહકને 6 ટકા વ્યાજ મળશે. નવા દર 10 ફેબ્રુઆરીથી લાગુ થશે.

એફડી પર વ્યાજ દરમાં ઘટાડાનો મતલબ એ થયો કે હવે તમારા બચત ખાતામાં જમા રકમ પર પહેલાની તુલનામાં ઓછું વળતર મળશે. નોંધનીય છે કે, એસબીઆઈના 40 કરોડથી વધારે ગ્રાહકો છે. જેના પર આ ઘટાડાની સીધી અસર પડશે.