Futures & Options Addiction: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ(Future & Options)નું નિયમન કરવાની તૈયારી કરી છે. સેબીએ કહ્યું છે કે ભારે જોખમવાળા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સને નિયંત્રિત કરવા માટે એક નવું માળખું લાગુ કરવામાં આવશે. F&O માં કોન્ટ્રાક્ટ સાઈઝને 5-10 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવામાં આવશે અને એક્સચેન્જમાં માત્ર એક સાપ્તાહિક એક્સપાયરીની મંજૂરી આપવામાં આવશે.
20મી નવેમ્બરથી F&O પર સખ્તી
ઇક્વિટી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ ફ્રેમવર્કને મજબૂત કરવા માટે 20 નવેમ્બર, 2024થી વિવિધ તબક્કામાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ પર સેબીનું નિયમન લાગુ કરવામાં આવશે. સેબીએ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગના નિયમન માટે 6 નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. સેબીએ પ્રસ્તાવ મૂક્યો છે કે ઓપ્શન ખરીદનાર પાસેથી ઓપ્શન પ્રીમિયમ અગાઉથી વસૂલ કરવામાં આવશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે. ઉપરાંત, 1 એપ્રિલ, 2025થી પોઝિશન લિમિટનું ઇન્ટ્રાડે મોનિટરિંગ થશે.
દર અઠવાડિયે માત્ર એક ઇન્ડેક્સ માટે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ
એક્સપાયરીના દિવસે વોલ્યુમમાં તેજ ઉછાળો જોવા મળે છે જેમાં હોલ્ડિંગનો સમયગાળો થોડી મિનિટોનો હોય છે અને ઇન્ડેક્સના મૂલ્યમાં નોંધપાત્ર વધઘટ પણ સમગ્ર દિવસ દરમિયાન જોવા મળે છે અને સેબીએ જણાવ્યું હતું કે, આ રોકાણકારોની સલામતી સુનિશ્ચિત કરશે અને બજાર સ્થિરતા પર અસર છે, પરંતુ મૂડીમાં કોઈ વધારો નથી થતો. તેથી, રેગુલેટરે આદેશ આપ્યો છે કે દરેક એક્સચેન્જમાં અઠવાડિયામાં માત્ર એક ઇન્ડેક્સ માટે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ હશે.
હાલમાં જ સેબીએ નાણાકીય વર્ષ 2021-22થી લઈને નાણાકીય વર્ષ 2023-24 સુધીના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ઇક્વિટીના ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રેડિંગ પર રોકાણકારોને થયેલા ફાયદા અને નુકસાન અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં સેબીએ જણાવ્યું કે આ ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન 1.13 કરોડ યુનિક વ્યક્તિગત ટ્રેડર્સે ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરવા પર 1.81 લાખ કરોડ રૂપિયાની પોતાની મહેનતની કમાણી ગુમાવી છે. ટ્રેડિંગમાં થયેલા નુકસાનમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટને પણ જોડવામાં આવી છે.
દરેક ટ્રેડરને 1.20 લાખનું સરેરાશ નુકસાન
નાણાકીય વર્ષ 2023-24માં જ રોકાણકારોને 75000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સેબી અનુસાર 91.1 ટકા વ્યક્તિગત ટ્રેડર્સ જેમની સંખ્યા 73 લાખ ટ્રેડર્સ છે તેમણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરવા પર પૈસા ગુમાવ્યા છે. જે 73 લાખ ટ્રેડર્સને નુકસાન થયું છે તેમાંથી દરેક ટ્રેડરને સરેરાશ 2023-24માં 1.20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે જેમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટને પણ જોડવામાં આવી છે.