કેન્દ્ર સરકારે GSTમાં ફેરફાર અંગે કરેલી જાહેરાતની અસર સોમવારે શેરબજારમાં સ્પષ્ટપણે દેખાઈ હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાન સાથે શરૂઆત થઈ હતી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના 30 શેરવાળા સેન્સેક્સ ઇન્ડેક્સ ખુલતાની સાથે જ 1100 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ મજબૂતી દર્શાવી હતી અને ખુલતાની સાથે જ 350 પોઈન્ટથી વધુ વધીને 25,000ના આંકડે પહોંચી ગયો હતો. શરૂઆતના કારોબારમાં મારુતિ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા અને મહિન્દ્રા જેવા બેંકિંગ શેરોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.
સેન્સેક્સ-નિફ્ટી રોકેટની જેમ દોડ્યો
સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ બંને ઈન્ડેક્સ રોકેટની જેમ દોડવા લાગ્યા હતા. BSEનો સેન્સેક્સ 81,315 પર ખુલ્યો, જે તેના અગાઉના 80,597.66 ના બંધથી ઉપર હતો અને પછી અચાનક થોડીવારમાં 1100થી વધુ પોઈન્ટથી વધુ ઉછળ્યો અને 81,713.30ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. NSEનો નિફ્ટી-50 પણ તેના અગાઉના બંધ 24,631.30થી ઉછળીને 24,938.20 પર ખુલ્યો અને થોડા જ સમયમાં સેન્સેક્સ સાથે હાથ મિલાવીને તે 350 થી વધુ પોઈન્ટના વધારા સાથે 25,000.80 ના સ્તરે પહોંચી ગયો હતો
સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે GSTમાં મોટા ફેરફારોની જાહેરાત કર્યા પછી તેની અસર શેરબજાર પર જોવા મળે તેવી અપેક્ષા હતી અને સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યો હતો. અગાઉ, વૈશ્વિક સંકેતો પણ બજારની તેજીની તરફેણમાં હતા અને ગિફ્ટ નિફ્ટીની સાથે તમામ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. ગિફ્ટ નિફ્ટી 333 સુધી ટ્રેડ કરી રહ્યો હતો.
આ મોટા શેરો ઝડપથી દોડવા લાગ્યા
શેરબજારમાં તેજી વચ્ચે મારુતિ શેર (7.27 ટકા), બજાજ ફાઇનાન્સ શેર (6 ટકા), બજાજ ફિનસર્વ શેર (4.66 ટકા), એમ એન્ડ એમ શેર (4.58 ટકા), ટ્રેન્ટ શેર (3.82 ટકા), એચયુએલ શેર (3.36 ટકા), ટાટા મોટર્સ શેર (2.40 ટકા) સહિતની લાર્જ કેપ કંપનીઓમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત બેન્કિંગ શેરો પણ ખુલતાની સાથે જ દોડવા લાગ્યા. એક્સિસ બેન્ક શેર (1.80 ટકા), કોટક બેન્ક (1.75 ટકા), આઇસીઆઇસીઆઇ બેંક (1.70 ટકા), એચડીએફસી બેંક (1.50 ટકા) ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સે પણ લગભગ 1 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.