Nifty At All-Time High: શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે મંગળવાર ફરી શેરબજાર માટે શુભ સાબિત થયો છે. NSE નિફ્ટી આજે નવી ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ ગઈકાલના બંધ સ્તરથી 99.15 પોઈન્ટ વધીને 24,419.70ની ઓલટાઇમ હાઇ લેવલ હાંસલ કર્યો છે.


સેન્સેક્સમાં પણ 400થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો


સેન્સેક્સ પણ 403 પોઈન્ટથી વધુ ઉછળીને 80,363.69ના સ્તરે પહોંચ્યો હતો જે તેની લાઇફટાઇમ હાઇ 80,392.64થી થોડે જ દૂર છે. બપોરે 1.15 વાગ્યે સેન્સેક્સ 385.97 પોઈન્ટ અથવા 0.48 ટકા વધીને 80,346ના સ્તરે છે.


નિફ્ટીના 50 શેરોની સ્થિતિ


NSEના 50 નિફ્ટી શેરોમાંથી 33માં વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 17 શેરો ઘટાડા સાથે છે. મારુતિ 7 ટકાથી ઉપર ઉછળ્યો છે અને તેની સાથે ITC, M&M, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટનમાં પણ તેજી જોવા મળી રહી છે. ઘટી રહેલા શેરોમાં LTI માઇન્ટ્રી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક અને BPCLમાં નબળાઈનું વર્ચસ્વ છે.


સેન્સેક્સના શેરનું અપડેટ


સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાના શેરમાં છ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ITC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા મોટર્સના શેર પણ નફાકારક રહ્યા છે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, JSW સ્ટીલ અને ટેક મહિન્દ્રાના શેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે.                                      


એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. ગઈ કાલે અમેરિકન બજારો સકારાત્મક વલણ સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બેરલ દીઠ 85.72 અમેરિકન ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા.