Signature Global IPO: રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંબંધિત એક મોટી કંપની સિગ્નેચર ગ્લોબલનો IPO 20 સપ્ટેમ્બર, 2023 બુધવારના રોજ ઓપન થઇ રહ્યો છે. તમે આમાં 22 સપ્ટેમ્બર, 2023 સુધી રોકાણ કરી શકો છો. IPO ખુલ્યા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા કુલ રૂ. 318.50 કરોડ એકત્ર કર્યા છે. 18 સપ્ટેમ્બરે જ એન્કર રોકાણકારો માટે IPO ઓપન થયો હતો. કંપનીએ શેર દીઠ 385 રૂપિયાના ભાવે એન્કર રોકાણકારોને કુલ 82,72,700 શેર જાહેર કર્યા છે.                                                   

  


IPO દ્વારા કંપની કેટલી રકમ એકત્ર કરશે?


સિગ્નેચર ગ્લોબલે IPO દ્વારા કુલ 730 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તમે આ IPOમાં 20 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2023 વચ્ચે રોકાણ કરી શકો છો. કંપનીએ જૂલાઈ 2022માં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO માટે DHRP સબમિટ કર્યું હતું. આ IPOમાં કંપનીએ પ્રાઈસ બેન્ડ 366 થી 385 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ 730 કરોડ રૂપિયામાંથી કંપની 603 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરવા જઇ રહી છે અને  127 કરોડ રૂપિયાના શેર્સ ઓફર ફોર સેલ દ્વારા જાહેર કરવામાં આવશે. આ IPOમાં કંપનીએ લાયક સંસ્થાકીય ખરીદદારો માટે 75 ટકા શેર, બિન-સંસ્થાકીય ખરીદદારો માટે 15 ટકા શેર અને છૂટક રોકાણકારો માટે 10 ટકા શેર અનામત રાખ્યો છે.                                                    


કંપનીના શેર ક્યારે લિસ્ટ થશે? 


ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, કંપની 27 સપ્ટેમ્બરે ગ્રાહકોને શેર ફાળવશે. જેમને શેર મળશે તેમના ડીમેટ ખાતામાં 3 ઓક્ટોબરે ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 4 ઓક્ટોબર, 2023ના રોજ થવાની શક્યતા છે.                          


કંપની IPO ના ભંડોળનો ઉપયોગ ક્યાં કરશે?


કંપની તેનું દેવું ચૂકવવા માટે IPO દ્વારા એકત્ર કરાયેલા કુલ 603 કરોડ રૂપિયામાંથી મોટા ભાગના હિસ્સાનો ઉપયોગ કરશે. કંપનીના પ્રદર્શનની વાત કરીએ તો માર્ચ 2023 સુધીમાં કુલ 1,585.80 કરોડ રૂપિયાની કમાણી કરવા છતાં તેને કુલ 63.70 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.