silver import rules tightened: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધના તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) પર વધતા દબાણને પગલે ભારત સરકારે ચાંદીની આયાત પરના નિયમો અચાનક જ ખૂબ કડક કરી દીધા છે. હવેથી 99.9% શુદ્ધતાવાળી ચાંદી વિદેશથી મંગાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત બની ગઈ છે. ડ્યુટીમાં વધારા બાદ લેવાયેલા સરકારના આ આકરા નિર્ણયથી બુલિયન માર્કેટ અને ચાંદીના વેપારીઓમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

Continues below advertisement

છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયાની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા અને દેશના અર્થતંત્રને બચાવવા સરકારે આ મોટું પગલું ભર્યું છે. મંગળવારે જાહેર કરાયેલા નવા આદેશ મુજબ, હવે જો કોઈ પણ વેપારી કે આયાતકારે 99.9% શુદ્ધતાવાળા ચાંદીના દાણા, પાવડર કે ચાંદીના બ્લોક વિદેશથી મંગાવવા હશે, તો તેમણે પહેલા DGFT પાસેથી માન્ય અધિકૃતતા (Authorization) એટલે કે પરવાનગી લેવી પડશે. આ મંજૂરી વગર હવે ચાંદીની આયાત થઈ શકશે નહીં.

Continues below advertisement

આટલી કડકાઈ પાછળનું મુખ્ય કારણ ચાંદીની બેફામ વધેલી આયાત છે. નોંધનીય છે કે ભારત દુનિયામાં ચાંદીનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા પર નજર કરીએ તો, દેશે 12 બિલિયન ડોલરની ચાંદીની આયાત કરી છે (જેમાં 150% નો જંગી વધારો નોંધાયો છે), જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 4.8 બિલિયન ડોલર હતી. માત્ર એપ્રિલ મહિનામાં જ ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 157% વધીને 411 મિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. દેશનો રૂપિયો અને ડોલર રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) બચાવવા તેમજ બિનજરૂરી આયાત ઘટાડવા સરકારે ગયા મહિને જ સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) 6% થી વધારીને સીધી 15% કરી દીધી હતી.

આ પણ વાંચોઃ સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજે કેટલા છે ભાવ

સરકારના આ કડક વલણને કારણે હવે ઝવેરીઓ અને ચાંદીના વેપારીઓનું ટેન્શન વધી ગયું છે. નવા નિયમોને લીધે વિદેશથી ચાંદી મંગાવવાની આખી પ્રક્રિયા વધુ લાંબી અને અઘરી બની જશે. જેના કારણે માલ આવવામાં મોડું થવાની અને બજારમાં અનિશ્ચિતતા ઊભી થવાની શક્યતાઓ છે, જેનો સીધો માર વેપારીઓએ સહન કરવો પડશે.