Soap Prices Cut: આ તહેવારોની સિઝનમાં સામાન્ય ગ્રાહકો માટે સારા સમાચાર છે કારણ કે FMCG કંપનીઓએ સાબુના ભાવમાં ઘટાડો કર્યો છે. રોજીંદી ઉપયોગની ચીજ સાબુની કિંમતમાં ઘટાડાથી સામાન્ય લોકોના ઘરના બજેટમાં થોડી બચત જોવા મળશે.


FMCG કંપનીઓ સાબુના ભાવમાં ઘટાડો કરે છે


દૈનિક ઉપયોગની વસ્તુઓ (MFCG) કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) એ કાચા માલના ભાવમાં ઘટાડાને કારણે કેટલીક સાબુ બ્રાન્ડની કિંમતોમાં 15 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.


જાણો લાઈફબૉય અને લક્સ બ્રાન્ડના સાબુ કેટલા સસ્તા થઈ ગયા છે


HULએ લાઇફબૉય અને લક્સ બ્રાન્ડ્સ હેઠળ પશ્ચિમી ક્ષેત્રમાં તેની સાબુની શ્રેણીમાં પાંચથી 11 ટકાનો ઘટાડો કર્યો છે. બીજી તરફ ગોદરેહ ગ્રૂપની કંપની GCPL એ સાબુની કિંમતમાં 13 થી 15 ટકાનો ઘટાડો કર્યો છે.


ગોદરેજ સાબુની કિંમત આટલી ઘટી


GCPLના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સમીર શાહે જણાવ્યું હતું કે, "કોમોડિટીના ભાવમાં ઘટાડો થયો છે અને GCPL એ FMCG કંપનીઓમાં પ્રથમ છે જેણે ગ્રાહકોને ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો છે." તેમણે કહ્યું કે, "ખાસ કરીને સાબુ માટે, GCPL એ 13 થી 15 ટકા ભાવમાં ઘટાડો કર્યો છે. પાંચ ગોદરેજ નંબર 1 સાબુના પેકની કિંમત 140 રૂપિયાથી ઘટાડીને 120 રૂપિયા કરવામાં આવી છે."


HULએ શું કહ્યું


એચયુએલના (HUL) પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તારમાં લાઇફબૉય અને લક્સની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, તેમણે સર્ફ, રિન, વ્હીલ અને ડવ જેવી અન્ય બ્રાન્ડની કિંમતમાં ઘટાડો કરવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ અબનીશ રોયે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં HULના વેચાણને ભાવ વધારાને કારણે ફટકો પડ્યો હતો, પરંતુ હવે ઉલટું થઈ રહ્યું છે. આથી વેચાણ વધવાની ધારણા છે.


નિષ્ણાતો શું કહે છે


નાણાકીય નિષ્ણાતો કહે છે કે ભાવમાં ઘટાડાથી ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં વેચાણમાં વધારો જોવા મળશે, ખાસ કરીને જ્યારે ઊંચી ફુગાવાના કારણે એકંદર માંગ નબળી છે. તેમણે કહ્યું કે પામ ઓઈલ અને અન્ય કાચા માલની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો એ કિંમતોમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે.