જો તમે UPI યુઝ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. UPIના માધ્યમથી ઓવરડ્રાફ્ટ સુવિધા અંગે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત ક્રેડિટ લાઇનને ડાયરેક્ટ UPI સાથે લિંક થઈ જશે. જે પછી તમે UPI દ્વારા તમારા લોન ખાતામાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 10 જુલાઈ, 2025 ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં પ્રી-એપ્રુવ ક્રેડિટ લાઇનને UPI સાથે લિંક કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે આવતા મહિનાથી એટલે કે ઓગસ્ટથી તમે બેન્કની પ્રી-એપ્રુવ્ડ ક્રેડિટ લાઇનની રકમનો ઉપયોગ UPI થી ડાયરેક્ટ કરી શકશો. અત્યાર સુધી ફક્ત માલ ખરીદવાની મંજૂરી હતી. હવે UPI દ્વારા ક્રેડિટ લાઇનની રકમથી દુકાનો પર ફક્ત ચુકવણી જ નહીં, પરંતુ રોકડ ઉપાડવા, કોઈને પૈસા મોકલવા અને નાના દુકાનદારોને ચુકવણી કરવાની સુવિધા પણ આપવામાં આવશે.

પહેલા આ નિયમ અલગ હતો. પહેલા UPI પર ક્રેડિટ લાઇન દ્વારા ફક્ત દુકાનો પર ચુકવણી કરી શકાતી હતી, પરંતુ હવે UPI સાથે લિંક કર્યા પછી લોન ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કરી શકાય છે.

લોન એકાઉન્ટ UPI સાથે ડાયરેક્ટ લિંક થશે

નવા નિયમ હેઠળ હવે યુપીઆઇ યુઝર્સ ફિક્સ્ડ ડિપોઝિટ, શેર, બોન્ડ, પ્રોપર્ટી, ગોલ્ડ અથવા પર્સનલ અને બિઝનેસ લોન ઓવરડ્રાફ્ટને યુપીઆઇ સાથે લિંક કરી યુઝ કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે તમે પેટીએમ, ફોનપે, ગુગલ પે જેવી થર્ડ પાર્ટી UPI એપ્સ દ્વારા લોન એકાઉન્ટમાંથી સીધી ચુકવણી કરી શકશો.

આવતા મહિનાથી આ સેવા

NPCI એ તમામ UPI બેન્ક સભ્યો અને ક્રેડિટ લાઇન સુવિધા પ્રદાતાઓને 31 ઓગસ્ટ 2025 સુધીમાં આ સુવિધા લાગુ કરવા સૂચના આપી છે. આવી સ્થિતિમાં UPI નો ઉપયોગ કરતા કરોડો યુઝર્સને તેનો લાભ મળશે.

ક્રેડિટ લાઇન શું છે?

ક્રેડિટ લાઇન એ એક પ્રકારની લોન છે, જે બેન્ક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા દ્વારા યુઝર્સની આવક અને ક્રેડિટ સ્કોરના આધારે મંજૂર કરવામાં આવે છે. તમે બેન્ક દ્વારા મંજૂર કરાયેલ ક્રેડિટ લાઇન એકાઉન્ટને UPI સાથે લિંક કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.