નવી દિલ્હીઃ લોકો સુરક્ષિત રોકાણ તરીકે હંમેશા સોનું ખરીદતા હોય છે જોકે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે, તેના કારણે લોકો ગોલ્ડમાં રોકાણ કરવાથી દૂર થઈ રહ્યા છે. પરંતુ હવે લોકો રોકાણ તરીકે બજાર ભાવથી સસ્તામાં સોનું ખરીદી શકે છે. લોકો રોકાણ તરીકે સરકારની ગોલ્ડ સ્કીમ (Sovereign Gold Bond Scheme)માં રોકાણ કરી શકે છે.


આરબીઆઈ અનુસાર સરાકરી ગોલ્ડ બોન્ડ યોજના 2020-21 સીરીઝ-9માં 28 ડિસેમ્બર 2020થી લોકો રોકાણ કરી શકે છે. આ સીરીઝ 1 જાન્યુઆરી 2021ના રોજ બંધ થશે. તે અંતર્ત 5000 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે.

સરકારે આ સ્કીમ અંતર્ગત સોનાની કિંમત 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે. એટલે કે એક ગ્રામ સોનું ખરીદવા 5,000 રૂપિયા ચુકવવા પડશે. બજાર ભાવ કરતાં સોનું ઘણું સસ્તું છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઇન અરજી કરનારા રોકાણકારોને બોન્ડના નિયત ભાવે ગ્રામ દીઠ રૂ.50 ની છૂટ આપવામાં આવશે.

આ યોજનામાં બોન્ડ્સ ખરીદીને રોકાણ કરી શકો છો. બોન્ડ તરીકે, તમે ઓછામાં ઓછું એક ગ્રામ અને મહત્તમ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકો છો. સામાન્ય રીતે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં સોનાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હોય છે. ગોલ્ડ બોંડ ખરીદવાનો સૌથી મોટો ફાયદો તેના પર 2.5 ટકા વાર્ષિક દરે વ્યાજ પણ મળે છે. સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવાનો ઉદ્દેશ ગોલ્ડની ફિઝિકલ માંગ ઓછી કરવાનો છે.

આ બોન્ડ આઠ વર્ષના સમયગાળા માટે રજૂ કરવામાં આવે છે અને પાંચ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ છે. આ પહેલા સીરીઝ-8માં ગોલ્ડ બોન્ડની કિંમત 5177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી.