Spectrum Auction: ટેલિકોમ વિભાગ આજથી આઠ બેન્ડમાં 96,000 કરોડ રૂપિયાથી વધુના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરશે. ટેલિકોમ સર્વિસ પ્રૉવાઇડર્સ અને ઓપરેટર્સ રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા 5G મોબાઇલ સેવાઓ માટે આ મહત્વપૂર્ણ રેડિયો ફ્રીક્વન્સીઝ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લી સ્પેક્ટ્રમની હરાજી ઓગસ્ટ 2022 માં યોજાઈ હતી, જેમાં 5G સેવાઓ માટેની રેડિયો ફ્રીક્વન્સીનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો હતો.


6 જૂને થનારી સ્પેક્ટ્રમ ઓક્શનની તારીખ આગળ લંબાવાઇ હતી - 
ટેલિકોમ વિભાગે સ્પેક્ટ્રમની હરાજીની સમયમર્યાદા 19 દિવસ લંબાવી હતી. પહેલા આ સ્પેક્ટ્રમની હરાજી 6 જૂને થવાની હતી, પરંતુ 5 જૂને આ લાઈવ ઓક્શનની શરૂઆતની તારીખ 6 જૂનથી બદલીને 25 જૂન કરવામાં આવી હતી.


ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ કરશે 8 સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી 
સરકાર લગભગ 96,317 કરોડ રૂપિયાની મૂળ કિંમતે મોબાઇલ ફોન સેવાઓ માટે 8 સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરશે. નોંધનીય છે કે 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz અને 26 GHz બેન્ડમાં ઉપલબ્ધ તમામ સ્પેક્ટ્રમ 10મી હરાજીનો ભાગ છે.


20 વર્ષ માટે આપવામાં આવશે સ્પેક્ટ્રમ 
સ્પેક્ટ્રમ 20 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે અને સફળ બિડર્સને 20 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવાની સુવિધા હશે. ટેલિકોમ વિભાગે ઓછામાં ઓછા 10 વર્ષ પછી આગામી હરાજી દ્વારા પ્રાપ્ત સ્પેક્ટ્રમ પરત કરવાનો વિકલ્પ આપ્યો છે.


રિલાયન્સ જિઓએ જમા કરી સૌથી વધુ રકમ 
રિલાયન્સ જિઓએ સ્પેક્ટ્રમની હરાજી માટે સૌથી વધુ 3000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેના આધારે કંપની રેડિયો ફ્રીક્વન્સી માટે સૌથી વધુ બોલી લગાવી શકે છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતી એરટેલે 1050 કરોડ રૂપિયા અને વોડાફોન આઇડિયા (VIL) એ 300 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. દેવાથી ડૂબી ગયેલી વોડાફોન આઈડિયા લિમિટેડ તેના સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જને ઘટાડવા માટે ખાસ કરીને 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં વ્યૂહાત્મક એક્વિઝિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.